File picks

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 10 જાન્યુઆરીએ ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ 2022નું ઉદ્ઘાટન કરશે. ત્રણ દિવસની આ સમીટની થીમ “આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારત” હશે, એમ વરિષ્ઠ અધિકારીએ સોમવારે જણાવ્યું હતું. દર બે વર્ષે યોજાતી આ સમીટ 2021ના જાન્યુઆરીમાં યોજાવાની હતી, પરંતુ કોરોના મહામારીને કારણે મોકૂફ રહી હતી. વાઇબ્રન્ટ સમીટ માટે અમરિકા, જર્મની, નેધરલેન્ડ, યુકે, ફ્રાન્સ, જાપાન અને મધ્યપૂર્વના દેશો જેવા દેશોમાં 4થી 5 રોડ શોનું આયોજન કરાશે. ગુજરાતના મુખ્યપ્રધાન 8-9 નવેમ્બરે દુબઇ, અબુ ધામી અને મધ્યપૂર્વના બીજા દેશોની મુલાકાત લે તેવી શક્યતા છે.

ઉદ્યોગ અને ખાણ વિભાગના એડિશનલ ચીફ સેક્રેટરી રાજીવ ગુપ્તાએ ગાંધીનગરમાં પત્રકારોને જણાવ્યું હતું કે આ સમીટમાં ગ્લોબલ ટ્રેડ શો અને ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટીટ્યૂશન અંગે રાઉન્ડ ટેબલનું આયોજન કરવામાં આવશે. આ ઇવેન્ટના પ્રથમ દિવસે વડાપ્રધાન મોદીના વડપણ હેઠળ રશિયાના 15 ગવર્નરની બેઠક યોજાશે.
ગુપ્તાએ જણાવ્યું હતું કે દસમી વાઇબ્રન્ટ ગુજરાતનું 10 જાન્યુઆરી 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાનના વડપણ હેઠળ વાઇબ્રન્ટ ઇવેન્ટ યોજવાનો નિર્ણય કર્યો છે.

તેમણે જણાવ્યું હતું કે આગામી વાઇબ્રન્ટ સમીટમાં ગતિ શક્તિ પ્લાન, આત્મનિર્ભર ભારત, પ્રોડક્શન લિન્ક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ જેવી કેન્દ્ર સરકારની સ્કીમો પર ભાર મૂકવામાં આવશે. આ ઇવેન્ટની તૈયારી માટે ઓછો સમય હોવા છતાં સમીટ ભૂતકાળની વાઇબ્રન્ટ સમિટ કરતાં ઘણી મોટી હશે.

11 જાન્યુઆરીએ કેન્દ્ર સરકારની ગતિ શક્તિ યોજના અંગે ઇવેન્ટનું આયોજન કરશે. આ સ્કીમથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણના ક્ષેત્રમાં ગુજરાતની કેવો લાભ થશે તેની વિગત હશે. આ ઇવેન્ટ્માં કેન્દ્ર વિભાગો ભાગ લેશે.

12 જાન્યુઆરીએ મેઇક ઇન ઇન્ડિયા અંગે ઇવેન્ટ્સ યોજાશે. તેમાં પ્રોડક્શન લિન્ક્ડ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ પર ભાર મૂકવામાં આવશે. આ ઇવેન્ટ્સમાં વિવિધ ક્ષેત્રો માટેની ઓછામાં ઓછી 13 સ્કીમની ચર્ચા થશે. આ સ્કીમ્સ અંગે યોજનારી ચર્ચાથી ઇલેક્ટ્રિક વ્હિકલ, બેટરી, હાઇડ્રોજન, બેટરી સ્ટોરેજ તથા ફાર્મા અને ટેક્સટાઇલ્સ જેવા ક્ષેત્રમાં ગુજરાતના ઔદ્યોગિક વિકાસને મદદરૂપ બનશે.

સમીટના ત્રીજા અને છેલ્લાં દિવસે ટેકનોલોજી પર ફોકસ કરાશે. છેલ્લાં દિવસે બ્લોકચેઇન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવા ટેકનોલોજીના મહત્તમ ઉપયોગની ચર્ચા થશે. તેમણે જણાવ્યું હતું કે 11 જાન્યુઆરીએ ટ્રેડ ફેર દરમિયાન એક કોન્ફરન્સ અને રોડશોનું આયોજન થશે, જે MSMEs ક્ષેત્ર પર ફોકસ કરશે.

તેમણે જણાવ્યું હતું કે ઓછામાં ઓછી દસ પ્રિ-વાઇબ્રન્ટ ઇવેન્ટનું આયોજન થશે. તેમાં ટ્રેડ ફેર અને ઇન્ટરનેશનલ લેવલના સેમિનાર્સ અને વર્કશોપનો સમાવેશ થાય છે. આ સેમિનાર્સ અને વર્કશોપમાં ટેક્સટાઇલ, હેલ્થ, એજ્યુકેશન અને એક્સપોર્ટ ક્ષેત્રની ચર્ચા થશે. આ ઇવેન્ટ્સ પહેલી ડિસેમ્બરથી નવ જાન્યુઆરી દરમિયાન યોજાશે.

વાઇબ્રન્ટ સમીટ પહેલા રાષ્ટ્રીય અને આંતરાષ્ટ્રીય રોડશોનું આયોજન કરશે. તેમણે જણાવ્યું હતું કે અમે દેશમાં છ રોડશોનું આયોજન કરીશું. પ્રથમ રોડશો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ દિલ્હીમાં 25 નવેમ્બરે યોજાશે. બીજો રોડ શો બે ડિસેમ્બરે મુંબઈમાં યોજાશે. આ ઉપરાંત લખનૌ, ચેન્નાઇ, બેંગલુરુ અને હૈદરાબાદમાં પણ આવા રોડ શોનું આયોજન કરશે.