તોફાની વરસાદને પગલે અમદાવાદમાં 28મેએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની ઇન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલ મેચ એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી. (ANI Photo)

ગુજરાતમાં ભરઉનાળે અમદાવાદ, ઉત્તર ગુજરાત, ભાવનગર, આણંદ સહિતના વિસ્તારોમાં રવિવાર, 28મેની સાંજે 4 ઇંચ સુધી તોફાની વરસાદ પડ્યો હતો. વીજળીનાં કડાકાભડાકા અને ભારે પવન સાથેના વરસાદથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચેની ફાઇનલ મેચ પણ મોકૂફ રાખવી પડી હતી.

અમદાવાદમાં 4 કલાકમાં 72.6 મીમી વરસાદ ખાબક્યો હતો. ઘણા વિસ્તારમાં કરા પણ પડ્યાં હતા. શહેરમાં સુસવાટા મારતા પવનના કારણે અનેક સ્થળે ઝાડ પડી ગયાં હતાં. શહેરના ચાંદખેડામાં 76 મીમી, સરખેજમાં 62 મીમી, ગોતામાં 61 મીમી, ચાંદલોડિયામાં 54.5 મીમી, પાલડી અને ઉસ્માનપુરામાં 53 મીમી વરસાદ ખાબક્યો હતો. આકાશમાં પણ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. વરસાદ પડ્યા બાદ શહેરીજનોને આગ ઓકતી ગરમીમાંથી આંશિક રાહત મળી હતી. અગાઉ હવામાન વિભાગે આગાહી કરી હતી કે, આગામી બે દિવસ દરમિયાન રાજ્યમાં ફરીથી વરસાદ પડી શકે છે.

અમદાવાદમાં બોડકદેવ, ઈસનપુર, શાહપુર,જશોદાનગર હાટકેશ્વર, બોપલ, ઘુમા, શીલજ, જીવરાજપાર્ક, ઘાટલોડિયા, ચાંદલોડિયા, વાડજ, અખબારનગર, RTO સર્કલ, ચાંદખેડા, વસ્ત્રાલ, ખાડિયા, મણિનગર,રાયપુરમાં તોફાની વરસાદ પડ્યો હતો.

રાજયના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા ઉપરાંત રાજકોટ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં વરસાદની આગાહી કરાઈ હતી. ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન અને તેને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સર્જાઈ છે. આ સિસ્ટમથી ગઈ કાલે બપોર બાદ અમદાવાદમાં વીજળીના કડાકા તેમજ તોફાની પવન સાથે વરસાદના છાંટા પડવાના શરુ થયા. વધુમાં આ સક્રિય સિસ્ટમની અસર નબળી પડતાં 31મે પછી વાતાવરણ નોર્મલ થશે.

LEAVE A REPLY

ten − 2 =