(ANI Photo)

તોફાની વરસાદને પગલે અમદાવાદમાં 28મેએ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની ઇન્ડિયન પ્રીમિયર લીગની ફાઇનલ મેચ એક દિવસ માટે મોકૂફ રાખવામાં આવી હતી. આ ફાઇનલ મેચ હવે સોમવાર, 29મેએ રમાશે.

જોકે ભારતીય હવામાન વિભાગે 29મે એટલે કે સોમવારે હળવો વરસાદ પડવાની આગાહી કરી છે. હવે ભારતીય સમય મુજબ સાંજે 7:30 વાગ્યે IPL ફાઈનલ ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચેની મેચ રમાશે. જો સોમવારે પણ વરસાદને કારણે રિઝર્વ ડે પર મેચ સમયસર શરૂ નહીં થાય તો ઓવર કપાત થવાનું શરૂ થશે. જો રાત્રે 9.35 વાગ્યા સુધી મેચ શરૂ થશે તો એકપણ ઓવર કટ નહીં થાય. મેચ શરૂ થવાને અંતિમ સમય 12.06 વાગ્યા સુધીનો રહેશે. જો આ સમયે મેચ શરૂ થઈ શકી તો મેચ 5-5 ઓવરમાં રમાશે. જો 5-5 ઓવરની મેચ પણ નહીં રમાય તો નિર્ણય સુપર ઓવરથી થઈ શકે છે. નિયમો પ્રમાણે જો વરસાદ અથવા અન્ય કોઈ કારણોસર મેચ ન રમાઈ તો આવી પરિસ્થિતિઓમાં 70 મેચના લીગ રાઉન્ડમાં જે ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર-1 રહી છે તેને વિજેતા જાહેર કરી દેવાય છે. 14 મેચમાં 10 જીત સાથે ગુજરાત ટાઈટન્સ પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે તેથી આ ટીમ ચેમ્પિયન જાહેર થઈ જશે.

ગુજરાત ડિફેન્ડિંગ ચેમ્પિયન છે, જ્યારે ચેન્નાઇ 4 વખતની વિજેતા છે. આ સીઝનમાં બંને ટીમોએ નિઃશંકપણે સૌથી વધુ સાતત્યપૂર્ણ દેખાવ કર્યો છે તથા લીગ તબક્કામાં અનુક્રમે પ્રથમ અને બીજા સ્થાને રહી છે. ક્વોલિફાયર 1માં બંને ટીમો સામસામે ધોનીની ટીમનો વિજય થયો હતો હવે તેઓ ફરીથી ટાઇટલ માટે ટકરાશે.

ચેન્નઈ 10મી વખત ફાઈનલમાં પહોંચ્યું છે જ્યારે ગુજરાતની ટીમ સળંગ બીજી વખત ફાઈનલમાં રમશે. આઈપીએલ-2023ની શરૂઆત થઈ ત્યારથી જ અટકળો ચાલી રહી છે કે આ સિઝન ચેન્નઈના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની અંતિમ સિઝન હોઈ શકે છે. જો આવું હશે તો ચેન્નઈ પાંચમું ટાઈટલ જીતીને પોતાના ચેમ્પિયન કેપ્ટનને યાદગાર વિદાય આપવા ઈચ્છશે. 2008માં આઈપીએલનો પ્રારંભ થયો ત્યારથી જ ધોની ચેન્નઈનો કેપ્ટન રહ્યો છે. તેની આગેવાનીમાં ચેન્નઈ ચાર વખત ચેમ્પિયન બન્યું છે જ્યાર 10 વખત ફાઈનલમાં પહોંચ્યું છે.

વર્તમાન સિઝનમાં ગુજરાતની સફળતામાં યુવાન ઓપનર શુભમન ગિલનો ફાળો ઘણો મહત્વનો રહ્યો છે. શુભમન ગિલે છેલ્લી ચાર મેચમાં ત્રણ સદી ફટકારી છે. હાલમાં તે ઓરેન્જ કેપ હોલ્ડર છે. ગુજરાત પાસે કેપ્ટન હાર્દિક પંડ્યા, ડેવિડ મિલર, રાહુલ તેવાટિયા અને રાશિદ ખાન જેવા આક્રમક બેટર છે. ગુજરાતનું બોલિંગ આક્રમણ પણ મજબૂત છે. ટીમ પાસે ઝડપી બોલર મોહમ્મદ શમીનો અનુભવ છે. જ્યારે રાશિદ ખાન જેવો મેચની બાજી પલટી શકે તેવો સ્પિનર પણ છે. જ્યારે મુંબઈ સામે ઘાતક બોલિંગ પ્રદર્શન કરીને મોહિત શર્માએ પણ પોતાની ક્ષમતા સાબિત કરી દીધી છે. વર્તમાન આઈપીએલમાં સૌથી વધુ વિકેટ ઝડપનારા બોલર્સમાં ટોપ-3માં આ ત્રણ બોલર સામેલ છે. શમીએ 28 વિકેટ ઝડપી છે. જ્યારે રાશિદ ખાને 27 અને મોહિત શર્માએ 24 વિકેટ પોતાના નામે કરી છે.

LEAVE A REPLY

2 + 16 =