ફેસ માસ્ક સહિતના કોવિડ નિયમોનું પાલન ન કરતાં લોકોને કોવિડ સેન્ટરમાં કોમ્યુનિટી સર્વિસ કરાવવાના ગુજરાતના હાઇ કોર્ટના આદેશ સામે સુપ્રીમ કોર્ટે ગુરુવારે મનાઇહુકમ આપ્યો હતો. ગુજરાત હાઈકોર્ટના આદેશ સામે ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. ગુજરાત સરકાર વતી સોલિસિટર જનરલે આ મુદ્દે તાકીદે સુનાવણી કરવા માટેની સુપ્રીમ કોર્ટમાં વિનંતી કરી હતી.

સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો કે ગુજરાત સરકારે માસ્ક પહેવાની અને સોશિયલ ડિસ્ટેન્સિંગ રાખવાની કેન્દ્ર સરકારની કોવિડ-19ની ગાઈડલાઈન અસરકારક પાલન કરાવવું જોઈએ. મંગળવારે ગુજરાત હાઈકોર્ટે સરકારને માસ્ક ન પહેર્યુ હોય તેમને 5થી 15 દિવસ સુધી દરરોજ પાંચથી છ કલાક કોવિડ સેન્ટરમાં સેવાની સજા કરવાનો આદેશ કર્યો હતો.

જોકે સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે માસ્ક ન પહેરતા લોકો બીજા લોકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન કરે છે અને સત્તાવાળાએ કોરોના પ્રોટોકોલનું પાલન થાય તે માટે સરકારે કડક પગલાં લેવા જોઇએ. ગુજરાત સરકારે રજૂઆત કરી હતી કે જો હાઇ કોર્ટના બુધવારનું આદેશનું પાલન કરવામાં આવે તો આરોગ્યના મુદ્દા ઊભી થશે.