મીડિયા ટ્રાયલને કારણે ન્યાયનો હેતુ વિચલિત થઈ શકે તેવું અવલોકન કરતાં સુપ્રીમ કોર્ટે  કેન્દ્રીય ગૃહ મંત્રાલયને તાકીદ કરી હતી કે તે ગુનાહિત કેસ અંગે પોલીસે પત્રકારોને કેવી રીતે માહિતી આપવી તે અંગે ત્રણ મહિનામાં એક વ્યાપક માર્ગદર્શિકા તૈયાર કરે. સર્વોચ્ચ અદાલતે તમામ રાજ્યોના પોલીસ મહાનિર્દેશકો (ડીજીપી)ને એક મહિનામાં આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રાલયને સૂચનો સબમિટ કરવાની પણ તાકીદ કરી હતી.

સર્વોચ્ચ અદાલતે જણાવ્યું હતું કે કે પત્રકારોને કેવી રીતે માહિતી આપવી જોઈએ તે અંગે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી)ની તાત્કાલિક જરૂરિયાત છે, કારણ કે આ અંગે  છેલ્લી માર્ગદર્શિકા જારી કરવામાં આવી તે પછી પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયામાં ક્રિમિનલ ગુનાઓના રીપોર્ટિંગમાં ઉછાળો આવ્યો છે. અગાઉ 2010માં ગૃહ મંત્રાલયે આ અંગે ગાઇડલાઇન જારી કરી હતી.

મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ખંડપીઠે જણાવ્યું હતું કે મીડિયાના વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના મૂળભૂત અધિકાર, તથા ન્યાયી તપાસના આરોપીના અધિકાર અને પીડિતના ગોપનીયતાના અધિકાર વચ્ચે નાજુક સંતુલન જાળવવું જોઈએ. કોઇ કેસની તપાસના પ્રાથમિક તબક્કે પોલીસે કોઇ માહિતી આપે ત્યારે મીડિયા ટ્રાયલ ચાલુ થાય છે. મીડિયા ટ્રાયલથી ન્યાયને પણ અસર થાય છે કારણ કે તે ટ્રાયલ ચલાવતા જજને પણ પ્રભાવિત કરી શકે છે.

કોર્ટે જણાવ્યું હતું કે કોઇપણ આરોપી તપાસ હેઠળ હોય ત્યારે તેને ન્યાયી અને નિષ્પક્ષ તપાસનો હક હોય છે. ટ્રાયલના તબક્કે દરેક આરોપીને નિર્દોષ ગણવામાં આવે છે, પરંતુ મીડિયામાં જ આરોપીને દોષિત હોય તેવું રીપોર્ટિંગ થાય ત્યારે પ્રતિષ્ઠા અને વ્યક્તિગત ગૌરવને ગંભીર અસર થાય છે. પક્ષપાતી રિપોર્ટિંગ જાહેર જનતામાં એવી શંકા જન્મે છે કે તપાસ હેઠળની વ્યક્તિ હકીકતમાં દોષિત છે.મીડિયા રિપોર્ટ ગુનાનો ભોગ બનેલા અથવા બચી ગયેલા લોકોના અધિકારને પણ અસર કરે છે.

 

LEAVE A REPLY