પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)
બ્રિટિશ એકેડમી બુક પ્રાઇઝ 2023 માટે ભારતીય મૂળના બે લેખકોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. વિશ્વભરમાંથી શોર્ટલિસ્ટ કરવામાં આવેલા છ લેખકોના નામ મંગળવારે જાહેર કરવામાં આવ્યા હતા અને તેમાં યુકેસ્થિત ભારતીય મૂળનાં નંદિની દાસ અને અમેરિકાસ્થિત ક્રિશ માંજપરાનો સમાવેશ થાય છે. આ ઇનામ અંતર્ગત ગ્લોબલ કલ્ચરલ અંડરસ્ટેનિડિંગ કેટેગરીમાં 25 હજાર પાઉન્ડ આપવામાં આવે છે.
ભારતમાં જન્મેલા નંદિની દાસને ‘કોર્ટિંગ ઇન્ડિયાઃ ઇંગ્લેન્ડ, મુઘલ ઇન્ડિયા એન્ડ ધ ઓરિજિન્સ ઓફ એમ્પાયર’ પુસ્તક માટે અને કેરેબિયન દેશમાં આફ્રિકન-ઇન્ડિયન માતા-પિતાને ત્યાં જન્મેલા માંજપરાને ‘બ્લેક ઘોસ્ટ ઓફ એમ્પાયરઃ ધ લોંગ ડેથ ઓફ સ્લેવરી એન્ડ ધ ફેઇલ્યોર ઓફ ઇમેનસિપેશન’ પુસ્તક માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર છેલ્લા 11 વર્ષથી આપવામાં આવે છે અને તેના માટે વિશ્વભરમાંથી લેખકોની પસંદગી કરવામાં આવે છે.
નંદિની દાસ યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડ ખાતે ઇંગ્લિશ ફેકલ્ટીમાં અર્લી મોર્ડન લિટરેચર એન્ડ કલ્ચરના પ્રોફેસર છે. તેમનો ઉછેર ભારતમાં થયો છે અને તેમણે ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ આવતા પહેલા કોલકાતાની જાદવપુર યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો.
તેમણે પોતાના પુસ્તકમાં ઇસ્વીસન 1600ની શરૂઆતમાં ભારતમાં ઇંગ્લેન્ડના પ્રથમ રાજદ્વારી મિશનની કથાને સુંદર રીતે રજૂ કરી છે. જ્યારે ક્રિશ માંજપરાનો ઉછેર કેનેડામાં થયો છે અને તેઓ અત્યારે બોસ્ટનની નોર્થઇસ્ટર્ન યુનિવર્સિટીમાં હિસ્ટરી એન્ડ ગ્લોબલ સ્ટડિઝના સ્ટીઅર્નસ ટ્રસ્ટી પ્રોફેસર છે. માંજપરાએ તેમના પુસ્તકમાં 19મી સદીની ગુલામીની પ્રથા વર્ણન કર્યું છે. તેમણે  31 ઓક્ટોબરે લંડનમાં આયોજિત એવોર્ડ સમારંભમાં વિજેતાની જાહેરાત કરાશે અને તેને 25 હજાર પાઉન્ડનો પુરસ્કાર આપવામાં આવશે, જ્યારે પસંદગી પામેલા અન્ય લેખકોને એક હજાર પાઉન્ડ આપવામાં આવશે.

LEAVE A REPLY

seventeen − eight =