Manjulaben, vegetarian meals to thousands of migrants in the camp, invited to the palace.

બકિંગહામ પેલેસમાં મહારાજા કિંગ ચાર્લ્સ III દ્વારા યોજવામાં આવેલા યુગાન્ડન એશિયનો માટેના સ્વાગત સમારોહમાં પીટરબરો ખાતે રહેતા મંજૂલાબેન સેટા, તેમના પુત્ર મયુર સેટા અને પરિવારને પણ નિમંત્રણ આપવામાં આવ્યું હતું. આ એજ મંજૂલાબેન છે જેમણે કેમ્પમાં મળતા બિનશાકાહારી ભોજન માટે રજૂઆત કરી 1,000 જેટલા એશિયન પરિવારો માટે ગુજરાતી શાકાહારી ભોજન બનાવવાની જવાબદારી તે વખતે ઉઠાવી લીધી હતી જે માટે તેમને પેલેસમાં નિમંત્રણ અપાયું હતું.

મંજૂલાબેન સેટા અને અન્ય કેટલાક વસાહતોને લઇને આવેલી ફ્લાઇટે ઑક્ટોબર 1972ના મધ્યમાં લંડનના સ્ટેનસ્ટેડ એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. તે પૈકી મંજૂલાબેન અને તેમના પરિવારને

સફોકની ઇંગ્લિશ કાઉન્ટીના શાર્ડીશાલ કેમ્પમાં લઇ જવાયો હતો. તેમનો પરિવાર 1 ઑક્ટોબરથી માર્ચ 73 દરમિયાન આ કેમ્પમાં રહ્યો હતો. તે કેમ્પ બંધ થતાં પરિવારજનોને 2 એપ્રિલ 73ના રોજ લીમિંગ્ટન સ્પામાં આવેલા ગેડન કેમ્પમાં ખસેડવામાં આવ્યા હતા.

મંજૂલાબેન સેટાએ ‘ગરવી ગુજરાત’ને ફોન પર આપેલી મુલાકાતમાં જણાવ્યું હતું કે ‘’સૌ પહેલા તો હું આ દેશ, દેશના લોકો, સરકારનો આભાર વ્યક્ત કરવા ચાહું છું. જો આ દેશ ન હોત તો આજે અમે અને મારો પરિવાર, ક્યાં – કઇ હાલતમાં હોત તેની ખબર નથી. ઇદી અમીને 90 દિવસમાં દેશ છોડવા કહેતા અમે ગાડી, દુકાન, ઘરબહાર બધું મૂકીને એક બેગ લઇને યુકે આવી ગયા હતા. આ દેશના લોકો હતા જેમણે અમને આવકાર આપ્યો હતો. શિયાળાના કડકડતી ઠંડીમાં મારા બાળકોને કપડા, રહેવા માટે છત અને નોકરી પૂરી પાડી હતી.’’

તેમણે પોતાના કેમ્પના અનુભવો અંગે જણાવ્યું હતું કે ‘’મને કેમ્પમાં અમારો રૂમ ફળવીને કેમ્પનું કેન્ટીન બતાવ્યું હતું પરંતુ મોટાભાગનું જમવાનું નોન વેજ જોતાં મેં અમારા કેમ્પના મેનેજર શ્રી મેકલીનને રજૂઆત કરી હતી. તેઓ તુરંત જ મારી વાત સાથે સહમત થયા હતા અને બીજા જ દિવસે મને કેમ્બ્રિજ લઇ જઇને બધી એશિયન ગ્રોસરી અપાવી હતી અને સૌ માટે શાકાહારી રસોઇ બનાવવા વિનંતી કરી હતી. તેમના સ્ટાફના સદસ્યોની મદદથી અમે કેમ્પમાં બીજા જ દિવસથી સૌને ગરમાગરમા શાકાહારી ગુજરાતી ભોજન આપી શક્યા હતા.’’

પોતાના ચાર દિકરા, પતિ, સાસુ, જેઠ-જેઠાણી અને તેમના પરિવાર સાથે  યુકે આવેલા મંજૂલાબેને આ રીતે બે કેમ્પમાં રસોઇ માટે મદદ કરી હતી. મંજૂલાબેન અને તેમના પરિવારને જુલાઈ 1973માં પીટરબરોના 758 બોર્જેસ બુલવાર્ડ ખાતે કાઉન્સિલનું મકાન ફાળવવામાં આવ્યું હતું. તે પછી તેમને 1974માં ઇસ્ટગેટ ખાતે ગ્રેનબી સ્ટ્રીટમાં બીજુ પાંચ બેડરૂમનું વિશાળ ઘર ફાળવવામાં આવ્યું હતું જે સેટા પરિવારે £10,000માં ખરીદી લીધું હતું.

મૂળ ગુજરાતના મોરબીના અને કમ્પાલા, યુગાન્ડામાં જન્મેલા મંજૂલાબેનના પિતા નાથાલાલ અમરસી કટારિયા ક્બાલેમાં કાપડની દુકાન ચલાવતા હતા. મંજૂલાબેનના લગ્ન 18 વર્ષના વયે અમરતલાલ વાલજી સેટા સાથે કરાયા હતા. તેમના પતિ કમ્પાલામાં ગોળ બજારમાં સીઝનલ સરસામાનની દુકાન ધરાવતા હતા.

મંજૂલાબેન કહે છે કે ‘’યુગાન્ડાથી ભાગવુ પડ્યું હતું તેવા દિવસો ભગવાન કોઇને પણ ન બતાવે. પરંતુ આ દેશ હતો જેમણે અમને દવા – સારવાર અને મારા બાળકોને સુંદર જીવન આપ્યું છે. આ મારા એકલીની વાત નથી, મારા જેવા 30,000 લોકોને આ દેશે મદદ કરી છે. હા, અમે પણ આ દેશમાં તકલીફ ભોગવી છે. જાહોજલાલી છોડી મેક્કેન ચીપ્સની ફેક્ટરીમાં મહેનત અને પ્રમાણિકતાથી કામ કરી આ દેશમાં યુગાન્ડન એશિયનો સફળ થઇ રહ્યા છીએ. આજે અમારા પરિવારના સગાં સંબંધીઓ સૌ કોઇ સુખી છીએ તેનો અનંદ છે.‘’

પીટરબરો સિટી કાઉન્સિલ 50 યુગાન્ડન પરિવારોને ઘરો અને નોકરીઓ ઓફર કરનાર પ્રથમ કાઉન્સિલ હતી.

LEAVE A REPLY

seven + three =