ખાદ્યપદાર્થોના વધતા ભાવોએ ગયા મહિને બ્રિટિશ કન્ઝ્યુમર પ્રાઇઝ ઇન્ફ્લેશનને 9.1 ટકાના 40 વર્ષના ઉચ્ચતમ સ્તરે ધકેલી દીધો છે જે જી સેવન દેશોના જૂથમાંથી સૌથી વધુ છે.

ઓફિસ ફોર નેશનલ સ્ટેટિસ્ટિક્સના ઐતિહાસિક રેકોર્ડ દર્શાવે છે કે મે માસનો ફુગાવો માર્ચ 1982 પછી સૌથી વધુ હતો અને હજુ વધુ ખરાબ થવાની શક્યતા છે. પાઉન્ડ સ્ટર્લિંગ, આ વર્ષે યુએસ ડૉલર સામે સૌથી ખરાબ પ્રદર્શન કરતી કરન્સીમાંનો એક છે. કેટલાક રોકાણકારો બ્રિટનને સતત ઊંચા ફુગાવા અને મંદીના જોખમથી અસરગ્રસ્ત હોવાનું માને છે. જેની પાછળ મોટુ આયાતી એનર્જી બિલ અને બ્રેક્ઝિટની મુશ્કેલીઓ જવાબદાર છે. તે યુરોપિયન યુનિયન સાથેના વેપાર સંબંધોને વધુ નુકસાન પહોંચાડી શકે છે.

બેંક ઓફ ઈંગ્લેન્ડે ગયા અઠવાડિયે જણાવ્યું હતું કે ઓક્ટોબરમાં 11 ટકાથી સહેજ ઉપર પહોંચતા પહેલા ફુગાવો આગામી મહિનાઓમાં 9 ટકાથી ઉપર રહેવાની શક્યતા છે.

ચાન્સેલર ઋષિ સુનકે જણાવ્યું હતું કે ‘’સરકાર ભાવમાં વધારા સામે લડવા માટે શક્ય તેટલું બધું કરી રહી છે.’’