(ANI Video Grab)

અરબી સમુદ્ર પર સર્જાયેલા ડિપ્રેશનને પગલે સોમવાર, 27 ઓક્ટોબર સુધીના છેલ્લાં ત્રણ દિવસમાં ગુજરાતના અનેક વિસ્તારમાં ભારેથી અતિ ભારે કમોસમી વરસાદ પડ્યો હતો. સમગ્ર રાજ્યમાં શિયાળાની શરૂઆત પહેલા ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.  ભારે વરસાદના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની કેટલીક નદીમાં પૂર આવ્યા હતા અને અનેક ગામડા સંપર્ક વિહોણા બન્યાં હતાં. અમરેલીના ધાતરવાડી નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી તથા ગામડા અને ખેતરોમાં પાણી ફરી વળ્યાં હતાં. ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં રેડ એલર્ટ જારી કરાયો હતો.

રાજ્યના 152 તાલુકામાં 9 ઇંચ સુધીનો કમોમસી વરસાદને પગલે ઊભા પાકને ભારે નુકસાન થયું હતું. રાજ્યના 21 તાલુકા એવા રહ્યા જ્યાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

હવામાન વિભાગે ડિપ્રેશનને પગલે 31 ઓક્ટોબર સુધીના આગામી ચાર દિવસ દરમિયાન વધુ વરસાદની આગાહી કરી હતી. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં છેલ્લા 34 કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો હતો. નવસારીમાં 157 મીમી વરસાદ પડ્યો હતો.

ભારતીય હવામાન વિભાગ (IMD)એ એક પ્રકાશનમાં જણાવ્યું હતું કે વેધર સિસ્ટમને કારણે આગામી ચાર દિવસમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડશે. નવસારી, વલસાડ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ગીર સોમનાથ જેવા જિલ્લાઓમાં આ સમયગાળા દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા શેર કરાયેલા ડેટા મુજબ, નવસારી જિલ્લાના નવસારી તાલુકામાં શનિવારની સવારથી રવિવારની સાંજ સુધીમાં 157 મીમી વરસાદ પડ્યો હતો, જે રાજ્યમાં સૌથી વધુ હતો. આ ઉપરાંત ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકા (128 મીમી), વલસાડના ઉમરગામ (96 મીમી), નવસારીના ખેરગામ (85 મીમી), ગીર સોમનાથના વેરાવળ (79 મીમી), ડાંગ જિલ્લાના આહવા (71 મીમી), નવસારીના જલાલપોર (69 મીમી) અને વલસાડ જિલ્લાના 56 મીમી વરસાદ ખાબક્યો હતો.

ભાવનગર જિલ્લાના મહુવામાં 7.68 ઇંચ અને સિહોરમાં 5 ઇંચ જેટલો નોંધાયો હતો. જ્યારે પાલિતાણામાં 2.99 ઇંચ, ભાવનગર શહેરમાં 2.83 ઇંચ, જેસરમાં 2.64 ઇંચ, ઉમરાળામાં 2.13, તળાજામાં 1.89 ઇંચ, વલ્લભીપુરમાં 1.50 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તાપીના સોનગઢમાં 3.94 ઇંચ વરસાદ ખાબક્યો તો સુરતના ઉમરપાડામાં 3.66, સુરત શહેરમાં 1.89 ઇંચ, ઓલપાડમાં 1.26 ઇંચ વરસાદ ખાબકતા શહેર સહિત જિલ્લાભરમાં અનેક ઠેકાણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. સૌરાષ્ટ્રના અનેક કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં આખી રાત ધોધમાર વરસાદ વરસ્યો પડ્યો હતો.

LEAVE A REPLY