ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરીમાં થયેલી હિંસાનો વિરોધ કરવા ખેડૂત નેતાઓ અને ખેડૂતોએ સોમવાર, 4 ઓક્ટોબરે પંજાબના પટિયાલામાં દેખાવો કર્યા હતા. (PTI Photo)

ઉત્તરપ્રદેશના લખીમપુર ખીરી વિસ્તારમાં રવિવારે નાયબ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્યના એક કાર્યક્રમ પહેલા ખેડૂતો અને ભાજપના નેતાઓની વચ્ચે થયેલી હિંસામાં ઓછામાં ઓછાના આઠના મોત થયા હતાા. ખેડૂત સંગઠનોનો આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રીય ગૃહ રાજ્યપ્રધાન અજય મિશ્રા ટેનીના પુત્ર આશિષે પ્રદર્શનકારી ખેડૂતો પર ગાડી ચડાવી દીધી હતી, જેમાં ચાર ખેડૂતોના મોત થયા હતા. આ હિંસામાં ભાજપના ચાર કાર્યકરોના પણ મોત થયા હતા. રાજ્યમાં થોડા સમયમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આ ઘટનાથી રાજકારણ પણ ગરમાયું હતું. વિરોધ પક્ષોના નેતાઓ લખીમપુર જવા નીકળ્યા હતા, પરંતુ સરકારે તમામને રોકી દીધા હતા.

આ ઘટના બાદ રોષે ભરાયેલા ખેડૂતોએ ભાજપના નેતાઓની કારો સહિતના વાહનોને આગ લગાવી દીધી હતી અને રોડ જામ કરી દીધો હતો. ખેડૂતો વિવિધ માગણીઓને લઇને કૃષિ પ્રધાનની વિરુદ્ધ પ્રદર્શન કરી રહ્યા હતા, આ દરમિયાન ભાજપનો કાફલો પસાર થવાનો હતો તે રોડ પર ઉભા રહી ગયા હતા અને કેશવ પ્રસાદ મૌર્યના કાફલાને કાળા વાવટા દેખાડયા હતા.

આ દરમિયાન જ ભાજપના નેતાઓ અને ખેડૂતો વચ્ચે હિંસક ઘર્ષણ થયું હતું. જેમાં આઠ લોકો માર્યા ગયા છે. 10 જેટલા ખેડૂતો ઘાયલ થઇ ગયા હતા અને માર્યા ગયેલામાં ત્રણ ખેડૂતો હોવાનો દાવો સંગઠનોએ કર્યો હતો. આ ઘટના બાદ રોષે ભરાયેલા ખેડૂતો બાદમાં વિફર્યા હતા.

આ ઘટના બાદ ખેડૂત નેતા રાકેશ ટીકૈત દિલ્હીના ગાઝીપુરથી ઉત્તર પ્રદેશ આવવા માટે રવાના થઇ ગયા હતા. આ મામલા પર રાજ્યના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવે રાજ્ય સરકાર પર પ્રહાર કર્યા હતા અને ધરણા પર બેઠા હતા

બીજી તરફ સ્વબચાવમાં કેન્દ્રીય પ્રધાન અજય કુમાર મિશ્રાએ દાવો કર્યો હતો કે મારો પુત્ર ઘટના સમયે ત્યાં હાજર જ નહોતો અને તેનો વીડિયો તરીકે મારી પાસે પુરાવા પણ છે. જ્યારે જે લોકો માર્યા ગયા તેમાં ત્રણ ભાજપના કાર્યકર્તાઓ અને એક અમારા કાફલાના ડ્રાઇવરનો સમાવેશ થાય છે. આમ માર્યા ગયેલાઓમાં ખેડૂતો અને ભાજપ કાર્યકર્તા બન્ને હોવાનો દાવો સામસામે કરવામાં આવી રહ્યો છે.

સોમવારે ખેડૂતો આ ઘટનાના વિરોધમાં એકઠા થશે અને પ્રદર્શનો કરશે તેમ ખેડૂત નેતા યોગેન્દ્ર યાદવ અને દર્શન પાલે કહ્યું હતું. ખેડૂતોએ સુપ્રીમ કોર્ટના વર્તમાન ન્યાયાધીશની દેખરેખ હેઠળ આ સમગ્ર ઘટનાની તપાસની માગણી પણ કરી છે.