ચીનના બેઇજિંગ સ્થિત એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક (એઆઇઆઇબી)ના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ભારતીય રીઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને નિયુક્ત કરવામાં આવ્યા છે. (Photo by PUNIT PARANJPE/AFP via Getty Images)

ચીનના બેઇજિંગ સ્થિત એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેન્ક (એઆઇઆઇબી)ના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે ભારતીય રીઝર્વ બેન્કના ભૂતપૂર્વ ગવર્નર ઉર્જિત પટેલને નિયુક્ત કરવામાં આવ્યા છે. 58 વર્ષના ઉર્જિત પટેલ ત્રણ વર્ષના કાર્યકાળ સાથે આ બેન્કના પાંચ વાઇસ પ્રેસિડન્ટ પૈકીના એક હશે અને તેઓ આવતા મહિને તેમનો હોદ્દો સંભાળશે.

એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેન્કમાં ભારત સ્થાપક સભ્ય છે. ચીન પછી બીજા નંબરના સૌથી વધુ વોટીંગ શેર ધરાવે છે. આ બેન્કનું નેતૃત્વ ચીનના ભૂતપૂર્વ નાણાપ્રધાન જિન લિક્વન કરી રહ્યાં છે.

ઉર્જિત પટેલ ગુજરાત કેડરના નિવૃત્ત આઇએએસ ઓફિસર ડીજે પાંડિયનનું સ્થાન લેશે, જેઓ દક્ષિણ એશિયા, પેસિફિક ટાપુઓ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં બેન્કના સાર્વભૌમ અને બિન સાર્વભૌમ ધિરાણનો હવાલો સંભાળે છે.

ડીજે પાંડિયન બેઇજિંગમાં નિયુક્ત થયા તે પહેલાં ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે ફરજ બજાવી ચૂક્યાં છે. તેઓ આ મહિનાના અંત સમયમાં ભારત પાછા આવશે. બીજી તરફ ઉર્જિત પટેલે 5મી સપ્ટેમ્બર 2016ના રોજ રઘુરામ રાજનના સ્થાને ભારતીય રીઝર્વ બેન્કના 24મા ગવર્નર તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. ઉર્જિત પટેલે ડિસેમ્બર 2018માં વ્યકિતગત કારણોસર રાજીનામું આપ્યું હતું.

ઉર્જિત પટેલ અગાઉ ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રૂપ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે કામ કરી ચૂક્યાં છે.તેમની આ બેન્કમાં નિયુક્તિને મહત્વની ગણવામાં આવે છે, કારણ કે ભારત 28 પ્રોજેક્ટ માટે 6.7 બિલિયન ડોલરનું ભંડોળ મેળવીને તેના સૌથી મોટા લાભાર્થી તરીકે ઉભરી આવ્યું છે. યુએસ અને જાપાન સિવાય મોટાભાગના વિકસિત અને વિકાસશીલ દેશો આ બેન્કમાં જોડાયા છે.