મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં અમદાવાદમાં મતદાન પહેલા મતદાતાનું થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું. (PTI Photo)

ગુજરાતની છ મહાનગરપાલિકા માટે 21 ફેબ્રુઆરી 2021ના રોજ યોજાયેલી ચૂંટણીમાં મતદાતામાં ઉત્સાવનો અભાવ જોવા મળ્યો હતો અને નીરસ મતદાન થયું હતું. છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ માત્ર 41.2 ટકા મતદાન થયું હતું. કુલ 1.14 કરોડ મતદાતામાંથી 47.25 લાખ મતદાતાએ મતદાન કર્યું હતું. અમુક વિસ્તારમાં રાજકીય પક્ષોના કાર્યકરો વચ્ચે સંઘર્ષ સિવાય એકંદરે શાંતપૂર્ણ રીતે મતદાન થયું હતું.

સૌથી વધુ જામનગર મહાનગરપાલિકામાં 49.64 ટકા મતદાન થયું હતું, જ્યારે સૌથી ઓછું અમદાવાદ મહાનગરપાલિકા માટે 37.81 ટકા મતદાન થયું હતું. આ ઉપરાંત સુરત 42.11 ટકા, વડોદરા 42.82 ટકા, રાજકોટ 45.74 ટકા અને ભાવનગર 43.66 ટકા મતદાન થયું હતું.

અમદાવાદ મહાનગર પાલિકામાં મતદાન કરવા માટે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદમાં આવ્યા હતા. તેમણે નારણપુરા વિસ્તારમાં સપરિવાર મતદાન કર્યું હતું. તેઓ પત્ની તથા પુત્રવધુ સાથે મતદાન કરવા માટે પહોંચ્યા હતાં. તેમની સાથે અમદાવાદના પૂર્વ મેયર ગૌતમ શાહ સહિતના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. સુરક્ષા વ્યવસ્થાના કારણોસર શહેરના નારણપુરામાં મતદાન મથક હાઈસિક્યુરિટી ઝોનમાં ફેરવાયું હતું.

ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ રાજકોટમાં મતદાન કર્યું હતું. કર્ણાટકના ગવર્નર અને ભાજપના વરિષ્ઠ નેતા વજુભાઈ વાળાએ રાજકોટમાં મતદાન કર્યું હતું. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પોતાના પરિવાર સાથે સુરતની શાળા ક્રમાંક નંબર 45 ખાતે મતદાન કર્યું હતું.

તમામ મતદાન કેન્દ્રો પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. જો કે કોરોનાને કારણે ધીમું મતદાન થયું હતું. જેને કારણે રાજકીય પક્ષો મતદાન વધારવા એડી ચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ મતદાતાનો ઉત્સાહ વધ્યો ન હતો.