Uniform Civil Code Bill
(ANI Photo/SansadTV)

સરકારે ગુરુવારે પાંચ દિવસના સંસદના “વિશેષ સત્ર”ની જાહેરાત કરીને સૌને અચંબામાં નાંખી દીધાં હતાં. 18થી 22 સપ્ટેમ્બર વચ્ચે યોજાનારા આ વિશેષ સત્રનો સરકારે એજન્ડા પણ જાહેર ન કરતાં અનેક પ્રકારની અટકળોને પણ વેગ મળ્યો છે. કેન્દ્ર સંસદના વિશેષ સત્રમાં ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’, સમાન નાગરિક સંહિતા અને મહિલા અનામત પર બિલ રજૂ કરે તેવી શક્યતા છે. વન નેશન, વન ઇલેક્શન એટલે લોકસભા અને વિવિધ રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરવી. મોદી સરકાર અગાઉ ઘણીવાર આ મુદ્દા ઉઠાવી ચુકી છે. તેનો કાયદા પંચે પણ અભ્યાસ કર્યો છે. સમાન નાગરિક સંહિતાનો ઉદ્દેશ ધર્મ, જાતિ, સંપ્રદાય ને ધ્યાનમાં લીધા વિના દરેક માટે એક સમાન કાયદા ઘડવાનો છે.

સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ એક્સ (ટ્વીટર) પર જણાવ્યું હતું કે સંસદનું વિશેષ સત્ર 18 થી 22 સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવી રહ્યું છે, જેમાં પાંચ બેઠકો થશે. અમૃત કાલ વચ્ચે સંસદમાં ફળદાયી ચર્ચા અને ડિબેટની આશા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની સરકારના નવ વર્ષમાં આ પ્રથમ આવું વિશેષ સત્ર હશે. મોદી સરકારે અગાઉ 30 જૂન, 2017ના રોજ મધ્યરાત્રિએ GSTના અમલના પ્રસંગે  લોકસભા અને રાજ્યસભાની ખાસ સંયુક્ત બેઠક બોલાવી હતી. જોકે આ વખતે તે પાંચ દિવસનું પૂર્ણ સત્ર હશે જેમાં બંને ગૃહોની અલગ-અલગ બેઠકો થશે. .

સામાન્ય રીતે વર્ષમાં સંસદના ત્રણ વખત સત્રો યોજાતા હોય છે, તેમાં બજેટ, ચોમાસુ અને શિયાળુ સત્રનો સમાવેશ થાય છે.

સૂત્રોએ જણાવ્યું હતું કે નવા સંસદભવનમાં સંસદીય કાર્યવાહીને ખસેડવા માટે આ વિશેષ સત્ર બોલાવાયું છે. મોદીએ 28મેએ નવા સંસદભવનું લોકાર્પણ કર્યું હતું.

સરકાર તેના એજન્ડાની જાહેરાત કરી હોવાથી એવી અટકળો વહેતી થઈ હતી કે સરકાર કેટલાંક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓ અને ત્યાર પછીની લોકસભાની ચૂંટણી પહેલા કેટલાક શોપીસ બિલને આગળ ધપાવી શકે છે. ચંદ્રયાન-3 મિશનની તાજેતરની ઐતિહાસિક સફળતા અને ‘અમૃત કાલ’ માટે ભારતના લક્ષ્યો જેવા મુદ્દા વિશેષ સત્ર દરમિયાન વ્યાપક ચર્ચાનો ભાગ હોઈ શકે છે. દિલ્હીમાં  9-10 સપ્ટેમ્બરે G20 સમિટ યોજાઈ રહી છે અને તેના એક સપ્તાહ પછી વિશેષ સત્ર બોલવામાં આવ્યું છે તેથી તેની પણ ચર્ચા થઈ શકે છે.

યોગાનુયોગ વડાપ્રધાન મોદીના 73મા જન્મદિવસના એક દિવસ બાદ વિશેષ સત્ર બોલાવવામાં આવી રહ્યું છે. બીજેપી મોદીના જન્મદિવસથી  2 ઓક્ટોબરેગાંધી જયંતિ સુધીના 16 દિવસના સમયગાળાને ‘સેવા પખવાડિયા’ તરીકે ઉજવે છે, જે દરમિયાન દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.

સરકારની આ જાહેરાતની વિપક્ષે તીખી પ્રતિક્રિયા આપી હતી. શિવસેના (UBT)ના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ જણાવ્યું હતું કે ભારતના સૌથી મહત્વપૂર્ણ તહેવાર ગણેશ ચતુર્થી દરમિયાન બોલાવવામાં આવેલ વિશેષ સત્ર દુર્ભાગ્યપૂર્ણ છે અને તે હિંદુ ભાવનાઓની વિરુદ્ધ છે. તારીખોની પસંદગીથી આશ્ચર્ય થયું છે.

LEAVE A REPLY

10 + fourteen =