આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પૂર્વસંધ્યા 20 જૂને સેન્ડ આર્ટિસ્ટ સુબાલ મહારાણાએ ભુવનેશ્વરમાં યોગદિવસની ઉજવણી માટે ખાસ રેતીની કલાકૃતિ તૈયાર કરી હતી. (ANI Photo)

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની મંગળવાર, 21 જૂને વિશ્વના 190થી વધુ દેશોમાં ઉજવણી ચાલુ થઈ હતી. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મૈસૂર પેલેસમાં ૧૫ હજાર લોકોની હાજરીમાં યોગાસનો કર્યા હતા. મોદીએ ટ્વિટ કરીને તમામ લોકોને યોગ દિવસની ઉજવણીમાં ભાગીદાર થવાની અપીલ કરી હતી.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસની અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ચીન, જાપાનથી લઇને કમ્બોડિયા અને પાકિસ્તાન જેવા દેશોમાં પણ તેની ઉજવણીની તૈયારી જોરશોરથી કરવામાં આવી હતી. અમેરિકામાં કેપિટોલ હિલ ખાતે યોગ દિનની ઉજવણીની તૈયારી કરવામાં આવી હતી. બ્રિટનના લંડન ખાતે નેશનલ પાર્ક ખાતે પણ તેની ઉજવણી કરવામાં આવી હતી. ફ્રાન્સમાં દર વખતની જેમ પેરિસના પ્રખ્યાત એફિલ ટાવરની નિશ્રામાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

જર્મનીની રાજધાની બર્લિન અને તેની સંસ્કૃત યુનિવર્સિટીમાં યોગ દિવસની ઉત્સાહ સાથે ઉજવણી થઈ હતી. સૌથી વધુ મહત્ત્વનું એ છે કે ભારતના કટ્ટર હરિફ મનાતા ચીને પણ મોટાપાયા પર યોગ દિવસની ઉજવણીની તૈયારી કરી હતી. ચીનમાં યોગનો ફેલાવો ઝડપથી થઈ રહ્યો છે. તેથી આગામી દિવસોમમાં યોગ એક સંસ્કૃતિ બની જાય તેવી શક્યતા છે. જાપાને પણ યોગને અપનાવ્યો છે. યોગક્ષેમ વહામ્યમ સૂત્ર હવે ભારતનું નહીં, પરંતુ સમગ્ર વિશ્વનું બની ગયું છે. પાકિસ્તાનમાં પણ મહિલાઓ મોટાપાયા પર યોગ કરી રહી છે. ઓમાનની રાજધાની મસ્કતમાં દરિયાકિનારે સામુહિક ધોરણે યોગ કરવામાં આવે છે.

આંતરરાષ્ટ્રીય યોગ દિનની પૂર્વસંઘ્યાએ વિશ્વ આરોગ્ય સંગઠન (ડબલ્યુએચઓ)એ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વને શારીરિક અને માનસિક રીતે વધુ સજ્જ કરવા માટે યોગ મહત્ત્વનો છે. યુએન સાઉથ ઇસ્ટ એશિયાના રિજનલ ડાયરેક્ટર પૂનમ ખેત્રપાલસિંહે જણાવ્યું હતું કે દરેક વયના લોકો યોગાસન કરી શકે છે.