એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મુસાફરના અયોગ્ય વર્તનનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે. સિડની દિલ્હી ફ્લાઇટમાં એક મુસાફરે એર ઇન્ડિયાના સિનિયર અધિકારી પર હુમલો કર્યો હતો અને ગાળાગાળી કરી હતી. આ ઘટના 9 જુલાઇ 2023ના રોજ બની હચી.

એર ઇન્ડિયાના અધિકારીએ જોરથી અવાજ કરી રહેલા એક મુસાફરને આવું ન કરવાની સલાહ આપી ત્યારે આ ઘટના બની હતી. આ મુસાફરે અધિકારીને થપ્પડ મારી હતી અને ગરદન વાળી દીધી હતી અને આ પછી ગાળાગાળી કરી હતી. તોફાની મુસાફરને પાંચ ક્રુ સભ્યો પણ અંકુશમાં લઈ શક્યા ન હતા. એર ઇન્ડિયાના અધિકારી બિઝનેસ ક્લાસમા મુસાફરી કરી રહ્યાં હતા, પરંતુ તેમની સીટ યોગ્ય રીતે કામ કરતી ન હતી અને તેથી તેમણે સીટ બદલી હતી.

આ ઘટનામાં પેસેન્જરે શારીરિક હુમલો કર્યો હોવા છતાં એર ઇન્ડિયાએ તેને કાબૂમાં લેવા માટે નિયંત્રક ડિવાઇસનો ઉપયોગ ન કર્યો હોવાનુ માનવામાં આવે છે.

એર ઈન્ડિયાના પ્રવક્તાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 9 જુલાઈ, 2023ના રોજ સિડની-દિલ્હીની AI-301 ફ્લાઇટમાં  સવાર એક મુસાફર મૌખિક અને લેખિત ચેતવણીઓ આપી હોવા છતાં અસ્વીકાર્ય વર્તન કર્યું, જેના કારણે અમારા એક કર્મચારી સહિત બીજા મુસાફરોને તકલીફ થઈ હતી. દિલ્હી ખાતે ફ્લાઈટના સુરક્ષિત લેન્ડિંગ બાદ પેસેન્જરને સુરક્ષા એજન્સીને સોંપવામાં આવ્યો હતો અને પેસેન્જરે બાદમાં લેખિતમાં માફી માંગી હતી.

LEAVE A REPLY