માર્ચ 2025માં પૂરા થયેલા ગયા નાણાકીય વર્ષમાં ઇન્ડિયન ડાયાસ્પોરાએ 135.46 બિલિયન ડોલરનું રેકોર્ડ રેમિટન્સ ભારતમાં મોકલ્યું હતું. છેલ્લાં દસ વર્ષમાં વૈશ્વિક રેમિટન્સમાં ભારત પ્રથમ ક્રમે રહ્યું છે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના તાજેતરના બેલેન્સ ઓફ પેમેન્ટ ડેટા મુજબ બિન-નિવાસી ભારતીયો દ્વારા મોકલામાં આવતાં કુલ રેમિટન્સમાં અગાઉના વર્ષની સરખામણીમાં 14 ટકાનો ઉછાળો આવ્યો છે. રિઝર્વ બેન્કે આ નાણાપ્રવાહને ‘ખાનગી ટ્રાન્સફર’ તરીકે દર્શાવ્યો હતો. 2016-17માં $61 બિલિયનું રેમિટન્સ ભારતને મળ્યું હતું, જે હવે બમણાથી વધુ થયું છે.
આરબીઆઇના ડેટામાં મુજબ કુલ રેમિટન્સમાંથી 45 ટકા રેમિટન્સ અમેરિકા, યુકે અને સિંગાપોરથી આવ્યું હતું. બીજી તરફ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ (GCC) દેશો તરફથી આવતા રેમિટન્સમાં ઘટાડો થયો હતો.
ડેટા મુજબ 31 માર્ચના અંતે પૂર્ણ થતાં નાણાકીય વર્ષમાં કુલ ચાલુ ખાતામાં રોકાણ પ્રવાહ કુલ 1 લાખ કરોડ ડોલર નોંધાયો હતો. જેમાં રેમિટન્સનો હિસ્સો 10 ટકા રહ્યો હતો.
વર્લ્ડ બેન્કના આંકડાઓ અનુસાર, વૈશ્વિક સ્તરે 2024માં રેમિટન્સ પેટે આવક મેળવવામાં ભારત અગ્રણી રહ્યું છે. મેક્સિકો 68 અબજ ડૉલર સાથે બીજા ક્રમે અને ચીન 48 અબજ ડૉલર સાથે ત્રીજા ક્રમે રહ્યું છે. જે દર્શાવે છે કે, ભારતનો મોટાભાગનો કુશળ કામદાર વર્ગ અમેરિકા, યુકે, અને સિંગાપોર જેવા વિકસિત દેશોમાં સ્થાયી થઈ રહ્યો છે.
