(PTI11_03_2024_000126B)
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ તાજેતરમાં ક્રિકેટની રમત ઝડપી, ન્યાયી અને વધુ રસપ્રદ બનાવવા માટે પુરૂષોના ક્રિકેટના 6 નિયમોમાં ફેરફાર કર્યા છે. આ નિયમો નવી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (2025-27) સીરીઝથી અમલી બનાવાયા છે.
આ નિયમો 2 જુલાઈ 2025થી મર્યાદિત ઓવરો (ODI અને T20) ફોર્મેટમાં પણ અમલમાં આવશે. નવા નિયમોમાં ટેસ્ટ ક્રિકેટમાં પણ બે ઓવર વચ્ચે વધુમાં વધુ 60 સેકન્ડનો ગાળો રાખી શકાશે. ફિલ્ડીંગ કરતી ટીમને આ સ્ટોપ ક્લોકના નિયમના ભંગ બદલ બે વખત ચેતવણી અપાશે અને એ પછી નિયમ ભંગ થાય તો તેની વિરૂદ્ધ પાંચ રન આપવાનો દંડ થશે.
ICCએ ત્રણેય ફોર્મેટ માટે શોર્ટ રનના નિયમમાં પણ ફેરફાર કર્યો છે. અગાઉ, ઇરાદાપૂર્વક શોર્ટ રન લેવા બદલ 5 રનનો દંડ થતો હતો. હવે, બેટર્સ ઇરાદાપૂર્વક વધારાનો રન લેવાના પ્રયાસમાં શોર્ટ રન દોડશે, તો અમ્પાયર ફિલ્ડિંગ ટીમની પસંદગી મુજબ સ્ટ્રાઇક પરનો બેટર બદલી શકશે અને 5 રનના દંડનો નિયમ તો રહેશે જ.
બોલ પર થૂંક લગાવવા ઉપર પ્રતિબંધ ચાલુ રહેશે. જો કે, ભૂલથી થૂંક લગાવવામાં આવે તો બોલ બદલવો ફરજિયાત રહેશે નહીં. બોલની સ્થિતિમાં મોટો ફેરફાર થાય અથવા તો તે ખૂબ ભીનો હોય અથવા વધારાની ચમક હોય તેવા સંજોગોમાં જ અમ્પયાર બોલ બદલશે.
એ નિર્ણય અમ્પાયરના વિવેકબુદ્ધિ પર આધારિત હશે. આ નિયમ ત્રણેય ફોર્મેટ માટે પણ છે.કેચના નિયમમાં પણ ફેરફાર કરાયો છે. કેચ આઉટ રીવ્યૂ ખોટો સાબિત થાય, પણ બોલ પેડ પર અથડાતો હોય, તો ટીવી અમ્પાયર પણ LBWની તપાસ કરશે. બેટર LBW આઉટ થયેલો જણાય તો તેને આઉટ અપાશે. આ નિયમ પણ ત્રણેય ફોર્મેટ માટે છે.
જો સોફ્ટ સિગ્નલ (અમ્પાયર દ્વારા લેવાયેલ રીવ્યુ) લેવામાં આવે અને નો બોલ પરનો કેચ સાચો હોય, તો બેટિંગ કરનારી ટીમને નો બોલ માટે એક વધારાનો રન મળશે. જો કેચ સાચો ન હોય, તો નો બોલ માટે એક રન અને દોડીને બનાવેલા રન પણ આપવામાં આવશે.
પહેલાં, કેચ અંગે શંકા હોય, તો ફિલ્ડ અમ્પાયર તે નિર્ણયનો રીવ્યૂ થર્ડ અમ્પાયરને મોકલતા હતા અને ટીવી અમ્પાયર બોલ જાહેર કરે તો કેચની તપાસ કરાતી નહોતી. હવે તેની તપાસ કરાશે. આ નિયમ ત્રણેય ફોર્મેટ માટે છે.
ટી-20 મેચ માટે પાવરપ્લે નિયમોમાં પણ ફેરફાર કરાયા છે. નવા નિયમો જુલાઈથી અમલમાં આવશે અને સ્પષ્ટ કરાયું છે કે વરસાદ કે અન્ય કોઈ કારણોસર ઓવરો ઓછી કરાય તો પાવરપ્લે ઓવરો પણ તે જ પ્રમાણમાં ઘટાડાશે.
ICC એ ODI ક્રિકેટમાં 35મી ઓવર પછી એક જ નવા બોલનો ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. આનાથી હવે ડેથ ઓવરમાં ફાસ્ટ બોલરોને મદદ મળશે.

LEAVE A REPLY