અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન (AAPI)ના ભારતીય અમેરિકન ફીજીશીયન્સના એક પ્રતિનિધિમંડળે તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલા ઇન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) કન્વેન્શનમાં હાજરી આપી ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના મેડિકલ અને સંસ્થાકીય સંબંધો મજબૂત કરાયા હતા.

આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ AAPIના પ્રમુખ ડૉ. અમિત ચક્રવર્તીએ કર્યું હતું અને તેમાં વરિષ્ઠ પદાધિકારીઓ અને સભ્યોનો સમાવેશ થતો હતો.

મુલાકાત દરમિયાન, AAPI પ્રતિનિધિમંડળે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મળ્યા હતા અને મુખ્ય હેલ્થ કેર પડકારોને પ્રકાશિત કરતું એક મેમોરેન્ડમ રજૂ કર્યું હતું. મેમોરેન્ડમમાં ઇમરજન્સી મેડિસિનમાં પોસ્ટ ગ્રેજ્યુએટ તાલીમ બેઠકોનો વિસ્તાર કરવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો અને ફર્સ્ટ રિસ્પોન્ડર્સ અને ઇમરજન્સી મેડિકલ ટેકનિશિયન (EMTs) માટે માળખાગત તાલીમ કાર્યક્રમોની હાકલ કરવામાં આવી હતી. આ મામલે AAPI બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના ભૂતપૂર્વ અધ્યક્ષ ડૉ. લોકેશ એદારાએ ભારપૂર્વક રજૂઆત કરી હતી.

AAPIના અધ્યક્ષ ડૉ. હેતલ ગોરે ગુજરાતીમાં સભાને સંબોધિત કરી AAPIના મિશનની રૂપરેખા આપી અને સહયોગ અને નવીનતા દ્વારા સમગ્ર ભારતમાં હેલ્થ કેર ધોરણોને આગળ વધારવાની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી હતી.

મુખ્યમંત્રી પટેલે આ પહેલનું સ્વાગત કર્યું હતું અને AAPI અને IMA ને આગળની કાર્યવાહી માટે વિગતવાર સંયુક્ત દરખાસ્ત રજૂ કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

પ્રતિનિધિમંડળે સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપીને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ મુલાકાત લીધી અને AAPI ની મુખ્ય શક્તિ તરીકે એકતા પર ભાર મૂક્યો હતો. સંમેલન દરમિયાન, AAPI અને IMAના નેતાઓએ સંયુક્ત રીતે લાંબા ગાળાના સહયોગને પ્રોત્સાહન આપવા માટે સમજૂતી કરારનો મુસદ્દો તૈયાર કર્યો હતો.

AAPI સભ્યોએ વ્યાખ્યાનો અને વ્યાવસાયિક આદાનપ્રદાન દ્વારા પરિષદમાં સક્રિયપણે ભાગ લીધો હતો અને વૈશ્વિક હલ્થ કેપ સહયોગ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવી હતી.

(Photo Courtesy – Hetal Gor – AAPI)

LEAVE A REPLY