

ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ (FIA) – ન્યૂ ઇંગ્લેન્ડે માર્ટિન લ્યુથર કિંગ જુનિયર ડેની ઉજવણી પ્રસંગે તેના સહયોગી સંગઠનો સાથે મળીને 19 જાન્યુઆરી, 2026ના રોજ બર્લિંગ્ટન, મેસેચ્યુસેટ્સમાં સેન્ટર ઓફ ક્રિએટિવ આર્ટ્સ ખાતે એક મફત કોમ્યુનિટી હેલ્થ કેમ્પનું આયોજન કર્યું હતું. આ પહેલ દ્વારા ડૉ. કિંગના વારસાને સમુદાય સેવા અને સામાજિક જવાબદારી દ્વારા સન્માનિત કરવામાં આવ્યો હતો.
ભારતીય મૂળના વેસ્ક્યુલર સર્જરી, મનોચિકિત્સા, કાર્ડિયોલોજી, પ્રાયમરી કેર, ડેન્ટલ, ફીજીકલ થેરાપી અને ન્યુટ્રીશીયન સહિતના હેલ્થ કેર પ્રોફેશનલ્સની મોટી ટીમે આ કેમ્પમાં 300થી વધુ સમુદાયના સભ્યોની મફત તબીબી, દાંત અને આંખની તપાસ કરી હતી. આંખોની તપાસ બાદ રીડીંગ ગ્લાસીસ પણ આપવામાં આવ્યા હતા.
કાર્યક્રમનું સંચાલન કરનાર FIAના ડિરેક્ટર જ્યોતિ સિંહે ડૉ. કિંગના સમાનતા અને સંવાદિતાના કાયમી સંદેશ પર પ્રકાશ પાડ્યો હતો. સામાજિક કાર્યકર સહાના પુરોહિત મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. FIA-ન્યૂ ઇંગ્લેન્ડના ઉપપ્રમુખ સંજય ગોખલેએ સહભાગીઓનું સ્વાગત કરી શિબિરનો હેતુ દર્શાવ્યો હતો. જ્યારે પ્રમુખ અભિષેક સિંહે કહ્યું હતું કે આ પહેલ ડૉ. કિંગના સુલભ હેલ્થ કેર અને સામાજિક ન્યાયના સ્વપ્નને પ્રતિબિંબિત કરે છે.
FIAના નેતાઓ અમોલ પેનશનવર અને શોવા શર્માએ શિબિરને અર્થપૂર્ણ સફળ બનાવવા બદલ સૌનો આભાર માન્યો હતો.
(Photos: FIA – New England)













