સાઉથ આફ્રિકામાં ભારતીય મૂળના એક બિઝનેસમેને તેની મહિલા કર્મચારીને એક અનોખા કારણસર નોકરીમાંથી કાઢી મુકી હોવાનું બહાર આવ્યું છે. કેપટાઉનમાં કેશિયર તરીકે કાર્યરત 28 વર્ષીય મહિલાએ આક્ષેપ કર્યો હતો કે, તેણે લાંબા સમય સુધી નાણાકીય બચત કરીને અને લોન દ્વારા સેકન્ડ હેન્ડ હોન્ડા કાર ખરીદી હોવાથી તેને તેના ભારતીય મૂળના માલિકે કાઢી મુકી હતી. એસેઝા લાઇમલિન્ટાકાએ સોશિયલ મીડિયામાં દાવો કર્યો હતો કે, શિરાઝ પટેલ નામના તેના માલિકે તેને નોકરીમાંથી કાઢી મુકતા જણાવ્યું હતું કે, તેને જે પગાર આપવામાં આવે છે તેમાંથી તેના માટે કાર ખરીદવી શક્ય નથી. લાઇમલિન્ટાકા મેઇટલેન્ડમાં શેલ ગેરેજમાં કેશિયર તરીકે કામ કરતી હતી અને તે તેની સેકન્ડ હેન્ડ કાર સાથે કામ પર આવી હતી. તેના માલિકને શંકા ગઈ, અને દાવો કર્યો કે, તેનો પગાર કાર ખરીદવા માટે ખૂબ ઓછો છે. આ સમગ્ર બાબત તેણે ફેસબુક પર જણાવી હતી. લાઇમલિન્ટાકાએ આરોપ મુક્યો હતો કે શિરાઝ પટેલને તેના પર વિશ્વાસ નહોતો. તે બીજે ક્યાંક કામ કરે છે કે નહીં તે તપાસવા માટે તેણે તેના બેંક એકાઉન્ટની વિગતો માગી હતી. લાઇમલિન્ટાકાએ કહ્યું કે, ‘મેં મારી બેંક એપ્લિકેશન તેને બતાવી હતી. તેને કહ્યું કે મેં નવું ફર્નિચર ખરીદવાનું શરૂ કર્યું છે, હવે હું કાર ખરીદી રહી છું. તે મને ફરીથી કેશિયર બનાવવા માટે ઇચ્છુક નથી.’ લાઈમલિન્ટાકાએ વધુમાં જણાવ્યું હતું કે, પટેલે તેના પર ચોરીનો આરોપ પણ મુક્યો હતો અને ચેતવણી આપી હતી કે તે તેના બિઝનેસમાંથી કોઈ નાણા ગુમ થયા છે કે કેમ તેની તપાસ કરી રહ્યા છે. તેણે લાઇમલિન્ટાકાને સ્પષ્ટ જણાવ્યું કે, તે પેટ્રોલ પંપ એટેન્ડન્ટ તરીકે કામ કરે અથવા તો રાજીનામું આપી દે.
