વિશ્વના સૌથી ઉંચા પર્વત-માઉન્ટ એવરેસ્ટ પર ફેલાયેલા કચરાને સાફ કરવા માટે હવે ડ્રોનની મદદ લેવામાં આવી રહી છે. આ સર્વોચ્ચ શિખર પર એટલો કચરો પડ્યો છે કે, તેને લોકો ઘણીવાર ‘વિશ્વનો કચરાનો સૌથી ઊંચો ઢગલો’ કહી રહ્યા છે. ત્યાં વિવિધ પ્રકારનો કચરો, ઓક્સિજનના ખાલી સિલિન્ડર, રસોડાની સામગ્રી અને ફેંકવામાં આવેલી સીડી જોવા મળે છે.
માઉન્ટ એવરેસ્ટ પર કામ કરી રહેલા શેરપા આવો બધો સામાન પર્વત પર લઇ જાય છે. તેઓ વ્યક્તિદીઠ 20 કિલોગ્રામ (44 પાઉન્ડ) – ચાર કલાકની ચઢાઇ કરે છે. તેઓ તૂટી રહેલા બરફ અને ખતરનાક સ્થિતિમાં બેઝ કેમ્પ સુધી કચરો પરત લાવે છે. તાજેતરની ચઢાણ સીઝન દરમિયાન, આ શેરપાઓને બે વિશાળકાય SZ DJI ટેકનોલોજી કંપનીના ડ્રોન તરફથી નવી મદદ મળી હતી, જે માત્ર છ મિનિટમાં આ જ સફર પૂર્ણ કરી શકે છે, અને વિશ્વના સૌથી ઊંચા શિખર પરથી કચરાના વધી રહેલા ઢગલાને સાફ કરવામાં સહાય કરે છે.
એવરેસ્ટના કેમ્પ 1 પરથી કચરો લાવવા માટે ડ્રોન તહેનાત કરવામાં આવ્યા છે, જે સમુદ્ર સપાટીથી 6,065 મીટર ઉપર છે અને બેઝ કેમ્પ સુધી જે અંદાજે 700 મીટર નીચે છે. DJI ફ્લાયકાર્ટ 30 દ્વારા ટોચ પર દોરડા અને સીડી જેવી સામગ્રી પહોંચાડ્યા પછી, શેરપાઓ ડ્રોનમાં હૂકથી કચરો ભરેલી બેગ ભરાવીને તેને નીચે પરત મોકલે છે. આ ડ્રોનમાં મોટા મચ્છર જેવો અવાજ સંભળાય છે. એવરેસ્ટ પર કચરો એકત્ર કરવાની કામગીરીનું સંચાલન કરી રહેલી એક સ્થાનિક બિન-નફાકારક સંસ્થા- સાગરમાથા પોલ્યુશન કંટ્રોલ કમિટીના જણાવ્યા મુજબ, મધ્ય એપ્રિલથી મધ્ય મે સુધીમાં નેપાળની કંપની- એરલિફ્ટ ટેકનોલોજી દ્વારા સંચાલિત ડ્રોનથી 280 કિલોગ્રામથી વધુ કચરો પર્વત પરથી નીચે ઉતારવામાં આવ્યો હતો.
