કેલિફોર્નિયામાં ખાસ કરીને ભારતીય માલિકીના જ્વેલરી સ્ટોર્સમાં તોડફોડ અને લૂંટના કિસ્સામાં ચોંકાવનારો વધારો થયો છે. બે એરિયા અને સધર્ન કેલિફોર્નિયામાં આવી સંખ્યાબંધ ઘટનાઓ નોંધાઈ હતી. ગેંગના તરખાટથી જ્વેલર્સને ભારે નુકસાન થયું હતું અને ઓછામાં ઓછા એક વ્યક્તિને ઇજા થઈ હતી.
મે 2024 પછી બે એરિયામાં ઓછામાં ઓછા આઠ ભારતીય જ્વેલરી સ્ટોર્સમાં તોડફોડ અને લૂંટની ઘટનાઓ બની હતી. આમાં સનીવેલમાં નીતિન જ્વેલર્સ, પીએનજી જ્વેલર્સ, નેવાર્કમાં ભીંડી જ્વેલર્સ, બર્કલેમાં બોમ્બે જ્વેલરી કંપની, ફ્રેમોન્ટમાં કુમાર જ્વેલર્સ અને ડબલિનમાં બીજે જ્વેલર્સનો સમાવેશ થાય છે. આમાંથી બે કેસોમાં એટલે કે પીએનજી અને કુમાર જ્વેલર્સ ખાતેની ઘટનામાં કેટલાંક શંકાસ્પદની ધરપકડ કરાઈ હતી.
1 જુલાઈના રોજ સાંજે 6 વાગ્યા પહેલા આર્ટેસિયાના પાયોનિયર બ્લ્વિડ પર એમ્બર જ્વેલર્સ એન્ડ વોચ પેલેસમાં આવી ઘટના બની હતી. ડિસ્પ્લે કેસ તોડી નાંખીને માસ્કધારી ઓછામાં ઓછા 12 લૂંટારા સ્ટોરમાં ઘૂસી ગયા હતા અને અને હતા અને દાગીના લઈને રફૂચક્કર થઈ ગયાં હતાં. લેકવુડ શેરિફ સ્ટેશને આ ઘટનાની તપાસ ચાલુ કરી હતી.
થોડા દિવસો પહેલા, 29 જૂનના રોજ સનીવેલમાં ઇસ્ટ એલ કેમિનો રિયલના 1000 બ્લોકમાં એક જ્વેલરી સ્ટોરને બપોરે 2:45 વાગ્યાની આસપાસ ટાર્ગેટ કરાયો હતો. લૂંટારાઓએ ચોરેલા વાહનનો ઉપયોગ કરીને ઇમારતમાં ઘૂસી ગયાં, પછી ઘૂસીને હથોડા વડે ડિસ્પ્લે કેસ તોડી નાખ્યા અને દાગીના લૂંટી લીધાં હતાં. આ ઘટનામાં સ્ટોર માલિક હોવાનું કહેવાતા એક વ્યક્તિને જીવલેણ ઇજાઓ થઈ ન હતી અને તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
