કોવિડ - 19 બેકાબુ બન્યો? (Photo by Anthony Kwan/Getty Images)

કોરોનાવાયરસનો આતંક તેની સીમા વટાવતા મૃત્યુ પામનારા લોકોની સંખ્યા હવે રોજના 20નો આંક વટાવી રહી છે અને મંગળવારે બપોરે યુકેમાં કુલ મૃત્યુની સંખ્યા 71 ઉપર પહોંચી છે. યુકેમાં હવે કુલ પોઝીટીવ કેસની સંખ્યા 1950 થઇ છે. સરકાર વાયરસનો ચેપ પ્રસરવામાં વિલંબ થાય તેવી ટેકનીક અજમાવી રહી છે. યુકેમાં કુલ 50,000 લોકોની તપાસ કરવામાં આવી હતી. યુકેમાં સૌપ્રથમ વખત એક જ દિવસમાં 407 દર્દીનો વધારો થયો છે. ટોચના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે યુકેમાં કોવિડ -19નો ચેપ ધરાવતા ચેપગ્રસ્ત લોકોની સાચી સંખ્યા 55,000 કરતા વધારે હોવાનું માનવામાં આવે છે.

ઇટાલીમાં 2,200 લોકો મૃત્યુ પામ્યા છે અને 28,000 લોકો ને ચેપ લાગ્યો છે ત્યારે વધી રહેલા મૃત્યુ આંકને જોતા, અગાઉની યોજના કારગત ન નિવડતા અને રોગીઓની સંખ્યા સતત વધતા સરકારે સોમવારે કોરોનાવાયરસ સામેનો બેટલ પ્લાન નાટકીય રીતે બદલી કાઢ્યો છે. સરકારે લોકોને શક્ય હોય ત્યાં સામાજિક અંતર (બીજાથી ઓછામાં ઓછુ એક મીટરનુ અંતર જાળવવા) રાખવા, સોશ્યલ લાઇફ અટકાવવા, મુસાફરી અથવા બહાર જવાનું ટાળવાનો આદેશ આપવામાં આવ્યો છે. લાખો લોકો હવે ઘરેથી કામ કરી રહ્યા છે.

લંડનમાં 407 કેસ, સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડમાં 175 કેસ, સાઉથ વેસ્ટ ઇંગ્લેન્ડમાં 61 કેસ, નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં 76 કેસ, ઇસ્ટ એન્ગલીઆમાં 71 કેસ, મીડલેન્ડમાં 94 કેસ, યોર્કશાયર અને નોર્થ ઇસ્ટમાં 91 કેસ, સ્કોટલેન્ડમાં 153, નોર્ધર્ન આયર્લેન્ડમાં 52, અને વેલ્સમાં 124 લોકો સારવાર હેઠળ છે.

સરકારને સલાહ આપી રહેલા અગ્રણી વૈજ્ઞાનિકોએ એક અહેવાલમાં જણાવ્યું છે કે લોકોને 18 મહિના કે તેથી વધુ સમય માટે સખત જીવનશૈલી પરિવર્તન ચાલુ રાખવાની જરૂર પડી શકે છે. ઈમ્પિરીયલ કોલેજ કોવિડ – 19 રિસ્પોન્સ ટીમે આગાહી કરી હતી કે જો ગઈકાલે સરકારે તેની નીતિ બદલી ન હોત અને નિયમો કડક કર્યા ન હોત તો 260,000 લોકો મૃત્યુ પામ્યા હોત. હવે એકબીજાથી દૂર કરીને અને વાયરસનો ફેલાવો રોકીને મૃત્યુને 20,000ના આંક સુધી મર્યાદિત કરી શકાશે.

ઇમ્પીરીયલ કૉલેજની ટીમના ડેટા બતાવે છે કે એનએચએસના ઇન્ટેન્સીન કેર યુનિટ પણ કોરોનાવાયરસના ચેપગ્રસ્ત લોકોની સારવાર માટે ઓછા પડશે અને કડક સંસર્ગનિષેધ પગલાં પણ વધુ કેસોને અટકાવી શકશે નહીં અને હોસ્પિટલના બેડ ઓછા પડશે.

ઈમ્પિરિયલ કોલેજ લંડન યુનિવર્સિટીના વાયરસ, રોગ અને જાહેર આરોગ્ય નિષ્ણાતોની ક્રેક ટીમ છેલ્લા બે મહિનાથી અઠવાડિયાના સાતેય દિવસ કામ કરી રહી છે. ટીમના પ્રોફેસર ફર્ગ્યુસને કહ્યું હતુ કે ‘’અત્યારે સરકાર જે પગલા ભરી રહી છે તેનાથી વિશેષ કશુ જ કરી શકાય તેમ નથી. વિશ્વના કોઈ પણ દેશમાં અત્યાર સુધીમાં કોઈ મહામારી જોવા મળી નથી જેમાં મોટા પ્રમાણમાં લોકો મરણ પામ્યા હોય.

આપણે ચેપને ફેલાતો ધીમો કરી શકીએ છીએ. બધા પ્રયત્નો કરીશું, તો પણ મોટી સંખ્યામાં મૃત્યુ થશે.

નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ રોગચાળામાં 260,000 લોકો મરી શકે છે. વિશ્વસ્તરે લગભગ 185,000 લોકો ચેપગ્રસ્ત છે અને 7,300થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

જનતાનુ સ્વયંભૂ આઇસોલેશન શરૂ

કોરોનાવાયરસના ભયની અસર સોમવારથી દેખાવાની શરઆત થઇ ગઇ હતી અને લાખો કર્મચારીઓએ ​​ઘરેથી કામ કરવાનુ શરૂ કરતા ટ્રેનો અને રસ્તાઓ ખાલી દેખાતા હતા. વૉટરલૂ, હ્યુસ્ટન રેલવે સ્ટેશન અને એમ 11 જેવા મોટર વે આજે શાંત જણાયા હતા. મિનિસ્ટર્સે ચેતવણી આપી હતી કે જરૂર પડે ભૂતીયા ટ્રેનોને સંકટના સમયને જોતા સંપૂર્ણ રીતે બંધ કરી દેવાશે. દેશમાં રોગચાળાને ફેલાતો અટકાવવા માટે સામાજિક અંતર રાખવાની ભલામણોનો લોકો જાતે જ અમલ કરી રહ્યા છે. લોકોએ ઘરે રહેવાનુ પસંદ કરતા ટ્રાન્સપોર્ટ ફોર લંડનને રોગચાળાને કારણે 500 મિલિયન પાઉન્ડના નુકશાનનો અંદાજ છે. લંડનમાં જે ટ્યુબ – ટ્રેનો સામાન્ય રીતે હંમેશા પેક્ડ જણાતી હતી તેમાં ગણ્યાગાંઠ્યા મુસાફરો નજરે પડતા હતા અને તેમની સંખ્યામાં લગભગ 20 ટકાનો અને બસોમાં 10 ટકાનો ઘટાડો થયો હતો.

કોરોનાવાયરસની આ કટોકટી સ્પ્રીંગ 2021 સુધી ચાલે તેવી ધારણા છે અને આશરે 80 ટકા બ્રિટીશ લોકોને ચેપ લાગવાનો ભય છે. સરકારે હજી બિઝનેસીસને તેમની ઑફિસો બંધ કરવા જણાવ્યું નથી પણ ઘણી કંપનીઓએ તેમના કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપી છે જેથી તેઓ તેમના વર્કફોર્સમાં રોગના ફેલાવાને રોકી શકે.

ગઈકાલે જાહેર કરાયુ હતું કે 70થી વધુ વયના લોકોને જાતે જ અલગ રહેવા ફરજ પાડવામાં આવી શકે છે અને જે લોકો ક્વોરેન્ટાઇનમાં જવાનો ઇનકાર કરશે તેમને જેલમાં ધકેલવામાં આવશે અથવા 1000 પાઉન્ડનો દંડ કરવામાં આવશે.

સરકારની વેબસાઇટ પર પ્રકાશિત કરાયેલ હેલ્થ પ્રોટેક્શન (કોરોનાવાયરસ) રેગ્યુલેશન્સ 2020 કહે છે કે જે લોકોને ચેપ લાગ્યો હોવાની શંકા હશે તેમને સલામત હોસ્પિટલમાં અથવા અન્ય યોગ્ય સ્થળે 14 દિવસ સુધી રાખી શકાશે. જો તેઓ છટકી જવાનો પ્રયાસ કરશે તો તેમની અટકાયત કરાશે અને ફરીથી એકાંતમાં રખાશે.

વડાપ્રધાને જેસીબી અને ડાયસન સહિતની અગ્રણી મેન્યુફેક્ચરીંગ કંપનીઓને એનએચએસને કોરોનાવાયરસ સામે લડવાની જરૂર હોવાથી વેન્ટિલેટર બનાવવા માટે મદદ કરવા વિનંતી કરનાર છે. કારણ કે દેશમાં ફક્ત 5,000 જ વેન્ટીલેટર મશીનો છે અને તેની અનેકગણી જરૂર પડવાની શક્યતા છે.

યુરોપમા 100 મિલિયન લોકો તેમના ઘરોમાં લોકડાઉન

યુરોપમા સોમવારે 100 મિલિયન લોકો તેમના ઘરોમાં લોકડાઉન જેવી હાલતમાં છે. સરહદો સીલ કરવામાં આવી છે અને બાર તેમજ રેસ્ટોરાં આખા યુરોપમાં બંધ કરાવઇ રહ્યા છે. સ્પેને એરપોર્ટ પર સૈન્ય તૈનાત કરી દીધું છે. તો બ્રિટિશ પ્રવાસીઓ યુકેમાં પાછા ફરવા સ્પેનમાં મથી રહ્યા છે.

ઇટાલીમાં જો કટોકટી વધુ તીવ્ર બનશે તો તુરિનમાં 80 કે તેથી વધુ વયના લોકોને કોરોનાવાયરસ માટે ઇન્ટેન્સીવ કેરની સારવાર આપવામાં આવશે નહિ. ઇરાનના  78 વર્ષના આયાતોલ્લાહ હાશેમ બાથાયી ગોલ્પેયેગનિમ વાયરસના શિકાર બન્યા બાદ તેમને સેવા આપનારા 12 અધિકારીઓની હત્યા કરી દેવામાં આવી છે.

ઑસ્ટ્રેલિયાના સંશોધનકારોએ દાવો કર્યો હતો કે એચ.આઇ.વી અને મેલેરિયાની સારવાર માટે ઉપયોગમાં લેવામાં આવતી દવાઓનો ઉપયોગ તેઓએ કોવિડ -19 સામે કરતા તેમને રોગ નાથવામાં મદદ મળી છે. આમ તેનો ઉપયોગ કોરોનાવાયરસનો સામનો કરવા માટે થઈ શકે છે.

સ્કોટલેન્ડમાં પ્રથમ વ્યક્તિનું કોરોનાવાયરસથી મૃત્યુ થયું છે જે ‘વૃદ્ધ વ્યક્તિ’ની હાલત પહેલેથી જ ખરાબ હતી. લંડનની ચેરિંગ ક્રોસ હોસ્પિટલમાં 89 વર્ષીય મહિલાનુ અને રોમફર્ડની ક્વીન્સ હોસ્પિટલમાં 60 વર્ષની વયની એક મહિલાનુ આજે મરણ થયુ હતુ

દરમિયાન, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કોરોનાવાયરસને રોગચાળાનુ સ્વરૂપ જાહેર કરવામાં આવ્યુ છે. પડોશના આયર્લેન્ડમાં શાળાઓ, કૉલેજો અને અન્ય જાહેર સુવિધાઓ 29 માર્ચ સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. તો સ્કોટલેન્ડના ફર્સ્ટ મિનિસ્ટર નિકોલા સ્ટર્જ્ને 500 લોકો કે તેથી વધુ લોકોના સામૂહિક મેળાપને રદ કરવા હાકલ કરી છે અને પોતે ઇમરજન્સી કોબ્રા બેઠકમાં આ અંગે ચર્ચા કરશે તેમ જણાવ્યુ છે. વડા પ્રધાન બોરિસ જ્હોન્સને જણાવ્યુ હતુ કે યુકે એક પેઢીના સૌથી ખરાબ જાહેર આરોગ્ય સંકટનો સામનો કરી રહ્યું છે.

કોરોનાવાયરસને કારણે એફટીએસઇ 100માં 112 બીલિયન પાઉન્ડનો ઘટાડો થયો હતો. સામે પક્ષે સરકારે ભારપૂર્વક કહ્યું હતું કે દેશને ‘સ્વસ્થ અને આર્થિક રીતે સુરક્ષિત’ રાખવા માટે ‘તે બધું કરી છૂટશે’. જોકે તા. 13ના રોજ બજારમાં સુધારો જણાયો હતો.

મે માસની ચૂંટણીઓ મુલતવી

કોરોનાવાયરસ ફાટી નીકળવાના કારણે ઇંગ્લેન્ડમાં મેયરલ અને સ્થાનિક ચૂંટણીઓ એક વર્ષ સુધી મુલત્વી રાખવામાં આવી છે. ઇંગ્લેન્ડ અને વેલ્સમાં પોલીસ અને ક્રાઈમ કમિશનરોની ચૂંટણીઓ 7મી મેના રોજ થનાર છે. લેબર પાર્ટીના જનરલ સેક્રેટરી જેની ફોર્મીએ ચૂંટણી પંચના વડાને પત્ર લખીને મે માસમા યોજાનાર સ્થાનિક ચૂંટણીઓ સ્થગિત કરવા હાકલ કરી હતી. લેબર લંડનમાં યોજાનારી સ્પેશ્યલ કોન્ફરન્સ રદ કરી ચુકી છે, જેમાં તેની નેતાગીરીની ચૂંટણીનું પરિણામ જાહેર કરવાનું હતું.

એસએનપી, સ્કોટિશ કન્ઝર્વેટિવ્સ, લિબરલ ડેમોક્રેટ્સ, પ્લાઇડ સીમરુ, ગ્રીન પાર્ટી અને વેલ્શ લેબર પાર્ટીએ વાયરસના ફેલાવાને કારણે તેમની સ્પ્રીંગ કોન્ફરન્સ રદ કરી દીધી છે.

મહારાણીએ ચેશાયર અને કેમડેનની યાત્રા મુલતવી રાખી

મહારાણીએ કોરોનાવાયરસ ફાટી નીકળવાના કારણે “સંવેદનશીલ સાવચેતી તરીકે” આવતા સપ્તાહે 19 માર્ચની ચેશાયર અને 26 માર્ચની નોર્થ લંડનના કેમડેનની મુલાકાતો મુલતવી રાખી છે. પ્રિન્સ ઑફ વેલ્સ અને ડચેસ ઑફ કૉર્નવેલે તેમનો બોસ્નીયા, સાયપ્રસ અને જોર્ડનનો પ્રવાસ મુલતવી રાખ્યો હતો.

વધુ મૃત્યુ થવાની ધારણા : મેયર સાદીક ખાન

લંડનના મેયર સાદીક ખાને ચેતવણી આપી હતી કે “હાલત વધુ સારી થાય તે પહેલા જ બગડશે અને વધુ મૃત્યુ થવાની ધારણા છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ બંધ કરવાનો નિર્ણય સલાહભર્યો નથી.  રવિવારે ટ્રફાલ્ગર સ્ક્વેરમાં યોજાતી સેન્ટ પેટ્રિક ડેની ઉજવણી પણ રદ કરી હતી. 2002 થી લંડનમાં યોજાતા સેન્ટ પેટ્રિક ડેના કાર્યક્રમોમાં 50,000થી વધુ લોકો જોડાય છે.

ઇટાલીમાં ફસાયેલા ભૂતપૂર્વ NHS ડૉક્ટરની બધુ જ લોકડાઉન કરવા વિનંતી

કોરોનાવાયરસથી અસરગ્રસ્ત ઇટાલીના બ્રેસ્સિયામાં ફસાયેલા ભૂતપૂર્વ એનએચએસ ડૉક્ટર અને પ્રોફેસર મોહમ્મદ અબુ હિલાલે યુકે સરકારને ખૂની ચેપ સામે લડવા માટે તાત્કાલિક બધુ જ લોકડાઉન કરવા વિનંતી કરી છે. તેમણે ચેતવણી આપી છે કે ફક્ત વૃદ્ધો જ નહી બીજા લોકો પણ મરી રહ્યા છે. જોકે વૃધ્ધ લોકોને વધુ અસર થાય છે. તેમણે કહ્યું હતુ  કે હોસ્પિટલમાં વધુ બેડ, વેન્ટિલેટર, એન્ટિવાયરલ્સ, ડોકટરો અને નર્સોની તૈયારી કરવી પડશે.

ઇટાલીમાં બહાર નીકળ્યા તો કોર્ટ કાર્યવાહી અને દંડ

ઇટાલીએ સોમવારે તા. 9ના રોજ દેશભરમાં પૂર્ણ-ધોરણે લોકડાઉન મૂક્યું હતું અને કર્ફ્યુ તોડનારા લોકોને કોર્ટ કાર્યવાહી અને દંડની ધમકી આપવામાં આવી હતી. ત્યાં શાળાઓ, કેફે, હેરડ્રેસર અને રેસ્ટોરન્ટ્સ બંધ કરી દેવામાં આવી છે અને કટોકટીને ડામવા માટે ‘સામાજિક અંતર’ રાખવા અને ઘરોમાં રહેવાનું કહેવામાં આવ્યુ છે. ત્યાં તા. 11ના રોજ 12,462 કેસ અને 827 મૃત્યુની પુષ્ટિ થઈ છે. જ્યારે યુરોપમાં કુલ 951 લોકોના મોત સાથે ભોગ બનેલા લોકોની સંખ્યા 23,000ની ટોચ પર પહોંચી છે.

ઇટાલીમાં આજે કેસોમાં 31 ટકાનો વધારો નોંધાયા હતો. ફાર્મસીઓ અને ખાદ્યપદાર્થોની દુકાનો સિવાય તમામ દુકાનો બંધ રાખવા હુકમ કરાયો છે.

યુકે મુસાફરી પર પ્રતિબંધ નહિ મૂકે:  ચાન્સેલર સુનક

ચાન્સેલર ઋષિ સુનકે તા. 12ના રોજ બીબીસીને જણાવ્યુ હતુ કે ‘’કોરોનાવાયરસના પ્રસારને રોકવા માટે બ્રિટને યુ.એસ. શૈલીના એર ફ્લાઇટ પરના પ્રતિબંધની કોઇ જરૂર નથી. અહીં જે પુરાવા મળ્યા છે તે જોતા તેની જરૂર નથી.

ટ્રમ્પે મુસાફરી પર પ્રતિબંધ મૂકતા યુરોપિયન શેર બજારમાં તકલીફમાં

ટ્રમ્પ દ્વારા તા. 11 ના રોજ અમેરિકાની મુસાફરી પર 30દ્વસો માટે પ્રતિબંધો મૂકતા યુરોપિયન સ્ટોક ઇન્ડેક્સ ફ્યુચર્સ તા. 12ના રોજ 2016ની મંદી કરતા પણ સૌથી નીચા સ્તરે જતો રહ્યો હતો અને રોકાણકારોએ હાલાકી વેઠવી પડી હતી.

યુરો સ્ટોક્સક્સ 50 ફ્યુચર્સ 8.3 ટકાનો, એફટીએસઇ ફ્યુચર્સમાં 6..6 ટકાનો અને જર્મન ડીએક્સ ફ્યુચર્સમાં 6 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

મુસાફરોની સંખ્યા ઘટી જતી અને એરલાઇન્સને ફ્લાઇટ્સ રદ કરવાની ફરજ પડતા  યુરોપિયન ટ્રાવેલ સેક્ટરમાં આ મહિને 18%થી વધુનો ઘટાડો થયો છે અને તેમાં બહુ મોટો વધારો થશે તે નિશ્ચીત છે. હવે બધાની નજર યુરોપિયન સેન્ટ્રલ બેન્કની પોલીસી મીટીંગ પર છે.

ટૂંકા ગાળા માટે જ તંગી રહેશે : ટેસ્કો

બ્રિટનના સૌથી મોટા સુપરમાર્કેટ ટેસ્કોના ચેરમેને જણાવ્યુ હતુ કે ‘’ગ્રાહકોએ ભલે કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને મુક ચીજવસ્તુઓનો સ્ટોક કરી લીધો હોય પણ તેઓ મુક ચોક્કસ વસ્તુઓની ટૂંકા ગાળાની અછત સિવાય બીજી કોઈ મુશ્કાલી થશે એમ માનતા નથી.

બિઝનેસ લોબી જૂથ સીબીઆઈના પ્રમુખ જ્હોન એલને જણાવ્યુ હતુ કે ‘’સપ્લાય ચેઇનમાં પુષ્કળ ઉત્પાદન છે અને લોકોએ ગભરાઇને ખરીદવાની જરૂર નથી. અમે અને અમારા હરીફો દ્વારા બને તેટલી ઝડપથી અમારી સપ્લાય ચેનને ફરીથી ભરી રહ્યા છીએ. અમુક ઉત્પાદનોની ટૂંકા ગાળાની અસ્થાયી અછત કરતાં બીજી કોઇ સંભાવના નથી.”

કંબોડિયાના મેકોંગમાં બોટ પર ત્રણ બ્રિટીશ ફસાયા

કંબોડિયામાં 73 વર્ષીય બ્રિટીશ પ્રવાસી, તેની 69 વર્ષની પત્ની સહિત ત્રણ બ્રિટીશ નાગરિકોને મેકોંગ નદી પર વાઇકિંગ ક્રુઝ જર્નીની એક પ્રવાસી બોટમાં કોરોનાવાયરસથી ચેપ લાગ્યો છે જેના પગલે તેમને ત્યાં કેસની સંખ્યા પાંચ પર પહોંચી છે. આ બોટ પડોશી વિયેટનામથી મેકોંગ નદીનો પ્રવાસ કરતી હતી.

લંડન અંડરગ્રાઉન્ડના ટ્યુબ ડ્રાઇવરને વાયરસ લાગ્યો

લંડનના અંડરગ્રાઉન્ડની જ્યુબિલી લાઇન ટ્રેનના નોર્થ ગ્રીનીચ ડેપો સ્થિત ડ્રાઇવરને કોરોનાવાયરસ હોવાનુ ટ્રાન્સપોર્ટ ફોર લંડને (ટીએફએલ) જણાવ્યું છે. તે તાજેતરમાં જ વિયેટનામમાં રજા ગાળી પરત ફર્યો હતો. ટ્યુબ ડ્રાઈવર જાતે જ અલગ થઇ ગયો હતો અને તેણે જ્યાં કામ કર્યુ હતુ તે ટ્રેન અને ડેપોને ડીપ ક્લીન્ડ કરાયા હતા. ડિચર બેંકના લંડન હેડ ક્વાર્ટરના એક કર્મચારીના વાયરસ લાગ્યો હતો.

નિર્ધારીત સર્જરી કેન્સલ

ગુડમેઝની કિંગ જ્યોર્જ હોસ્પિટલ અને રોમફર્ડની ક્વીન્સ હોસ્પિટલમાં દર્દીઓની નિર્ધારીત શસ્ત્રક્રિયાઓ સ્થગિત કરવામાં આવી હતી. આ અગાઉ એક દર્દીનું મોત ક્વિન્સ હોસ્પિટલમાં થયું હતું. ત્યાં કેન્સર અને ઇમરજન્સી સર્જરી કરાશે અને ફક્ત માતા-પિતાને નીઓનેટલ અને બાળકોના વોર્ડની મુલાકાત લેવા દેવાશે.

અમરિકા જનારની 14 દિવસની ટ્રાવેલ હિસ્ટ્રી ચેક કરાશે

છેલ્લા 14 દિવસમાં જો કોઈએ શેનઝેન ઝોન (યુરોપ)માં મુસાફરી કરી હશે તેમને યુ.એસ.ની મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. યુ.એસ. જતા દરેકની મુસાફરીના ઇતિહાસને તપાસવામાં આવશે. શનિવારે યુએસ સરકારે 26 યુરોપિયન દેશોના લોકોને અમેરિકા આવવા પર પ્રતિબંધ મૂક્યો હતો.

યુકેનુ વર્તન કેમ અલગ રહ્યું છે?

ઘણા દેશો સ્કૂલો બંધ કરવી, સામૂહિક મેળાવડા રદ કરવા અને મુસાફરી પર પ્રતિબંધ જેવા કડક પગલા લઈ રહ્યા છે ત્યારે યુકે પ્રમાણમાં હળવા નિયંત્રણો અપનાવ્યા છે. આવુ કેમ? કારણ એટલુ જ કે બીજા દેશો રોગચાળાઓમાં યુકે કરતા આગળ છે. કમ્પ્યુટર સિમ્યુલેશન સૂચવે છે કે બ્રિટન હજૂ રોગચાળાના પ્રારંભિક તબક્કામાં છે.

સ્થિતી જોતા પ્રતિબંધ લાંબો સમય લગાવવો પડશે. આવા સંજોગોમાં જો અત્યારે જ લોકડાઉન કરાવી દેવાય તો લોકો તેનાથી કંટાળી જશે અને જ્યારે રોગચાળો તેની ઉંચાઇ પર પહોંચે ત્યારે લોકો ઘર છોડીને બહાર આવી જશે. સેલ્ફ આઇસોલેશનનો પણ એક થાક – કંટાળો લાગતો હોય છે. જોખમ હજી ઓછા પ્રમાણમાં છે ત્યારે લોકોને તેમના સમુદાયથી દૂર કરી નાખવાથી તેમના માટે બિનજરૂરી મુશ્કેલીઓ ઉભી થશે.

કોવિડ – 19 બાળકોને ઓછી અસર કરે છે અને તેથી જ શાળાઓ બંધ કરવાની જાહેરાત હજી બાકી છે. આ ઉપરાંત શાળાઓ બંધ કરાય તો એનએચએસના ઘણા કર્મચારીઓને બાળકોની સંભાળ રાખવાની હોવાથી તેમને નોકરી પર આવવામાં મુશ્કેલી પડી શકે છે.

જો કે ટોચનાં વૈજ્ઞાનિકો માને છે કે ખૂબ જલ્દીથી ગંભીર પ્રતિબંધો લાદવામાં આવશે. ઘણા વૃદ્ધ લોકો, ખાસ કરીને ગંભીર લક્ષણોનુ જોખમ ધરાવતા લોકોને પહેલેથી જ અલગ કરી દેવાયા છે.