આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ અને મહિલાઓ માટે સમાનતા વધારવામાં યુકેની ભૂમિકા નિમિત્તે બેરોનેસ બેરીજ અને બેરોનેસ સગ દ્વારા યોજાયેલી ચર્ચામાં ભારતીય મૂળના લોર્ડ રેમી રેન્જરે પણ ભાગ લઇ મહિલાઓના કલ્યાણ, વિકાસ અને તેમના દ્વારા બ્રિટીશ સમુદાયને આપવામાં આવેલા યોગદાન અંગે મહત્વની જાણકારી આપી હતી.

લોર્ડ રેમી રેંજરે હાઉસ ઑફ લોર્ડ્ઝમાં જણાવ્યુ હતુ કે ‘’ગત રવિવારે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આપણે મહિલાઓની સિદ્ધિઓનો વૈશ્વિક ઉજવણી કરી હતી અને આજે આ ખૂબ જ મહત્વપૂર્ણ થીમને ચાલુ રાખીને આ મહત્વપૂર્ણ ચર્ચાના ભાગ રૂપે મારા પ્રથમ વકતવ્યને રજૂ કરતા આનંદ આનુભવુ છું. હું દ્રઢપણે માનું છું કે મહિલાઓ માટે દરેક જગ્યાએ સશક્તિકરણ અને સમાનતા એ પસંદગી નહીં પણ એક આવશ્યકતા છે. હું એ જાણું છું, કારણ કે તે નોંધપાત્ર મહિલા મારી માતા હતી, જેનો હું ઋણી છું. લોર્ડ્સમાં ઉભા રહેવાનુ સ્વપ્ન મેં કદી જોયુ જ નહતુ. હું મારી સફળતાનો યશ સહનશીલતાની બ્રિટીશ ભાવના અને સમાન તકને આપુ છું. પરિણામે, મારા જેવા સામાન્ય વસાહતીને તેની મહત્વાકાંક્ષાઓનો અહેસાસ થઈ શકે અને તેના પરિવાર અને દત્તક લીધેલા આ દેશ માટે સંપત્તિ બની શકે.’’

‘’મારો જન્મ ભારતના ભાગલા દરમિયાન થયો હતો, જ્યાં અમે નવી સરહદની ખોટી બાજુએ હતા. મારા પિતા સ્વપ્નદ્રષ્ટા હતા અને ધાર્મિક તકરારના પરિણામોની આગાહી કરી શકતા હતા. તેઓ ધર્મના આધારે ભારતના ભાગલાની વિરુદ્ધ હતા કારણ કે તેઓ બધા લોકો સાથે સુમેળમાં રહેતા અને ધાર્મિક દુશ્મનાવટથી મુક્ત સંયુક્ત ભારતનો વિશ્વાસ હતો. દુ:ખની વાત છે કે જ્યારે સ્થાનિક શાળાના વિદ્યાર્થીઓએ ભારતના ભાગલા વિરુધ્ધમાં શોભાયાત્રા કાઢી હતી, જે કોમી રમખાણોમાં ફસાઈ જતા તેમને બચાવવાનો પ્રયત્ન કરનાર મારા 42 વર્ષના પિતાની હત્યા કરવામાં આવી હતી. અમારા પિતા વિદ્યાર્થીઓને બચાવવામાં સફળ રહ્યા. પરંતુ હિન્દુ મુસ્લિમ એકતા માટે પોતાનો જીવ ગુમાવ્યો હતો. અમારા પિતાના મૃત્યુ પછી વીસ દિવસ બાદ મારો જન્મ થયો હતો.’’

‘’મારા જીવનની શરૂઆત ભારતની એક શરણાર્થી શિબિરમાં એક પિતા સિવાય પણ નોંધપાત્ર માતા સાથે થઈ હતી. અમારી માતા સાત બાળકો સાથે માત્ર 35 વર્ષની નાની ઉંમરે વિધવા થઈ હતી. મારી માતાએ તેમનો દેશ, પૂર્વજોનુ ઘર અને પતિ ગુમાવ્યો હતો. તેની સાથે થઇ શકે તેટલુ બધુ જ ખોટું થયું હતું. તેને કુટુંબ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમને બધાને અનાથાશ્રમમાં મૂકી દે. પતિ અથવા કુટુંબની સંપત્તિ વિના અમારૂ આઠ લોકોનુ નવા દેશમાં ભરણપોષણ કરવુ કઇ રીતે શક્ય બનશે? પણ તેણે પોતાના બાળકોને આપવાનો ઇનકાર કર્યો અને નસીબમાં જે હતુ તે સ્વીકારી લીધુ હતુ.‘’

‘’સદભાગ્યે જ્યારે ઘણાં લોકો તેમની છોકરીઓને ભણાવતા ન હતા ત્યારે મારી માતા શિક્ષિત હતી અને સ્થાનિક પ્રાથમિક શાળામાં રોજગાર મેળવવામાં સક્ષમ રહી હતી. તેણે સાત બાળકોને ઘણી મુશ્કેલીઓ વેઠી ઉછેર્યા હતા. તેના શબ્દો હતા કે ‘તમને ભૂખ્યાં રહેવુ પડશે પણ તમારે ભણવાનું છે. પરિણામે તેમના પાંચ પુત્રો, ભારતીય સૈન્યમાં કમિશન્ડ અધિકારી બન્યા અને તે બદલ તેમને ‘ગૌરવપૂર્ણ ભારતીય માતા’નુ બિરુદ મળ્યુ.’’

‘’મને એન્ટરપ્રાઇઝ ઇન ઇન્ટરન્શનલ ટ્રેડ માટે 6 વખત ક્વીન્સ એવોર્ડ મળ્યા છે જેમાંથી 5 સતત દર વર્ષે મળ્યા છે. મારી કંપનીઓ તેમની નિકાસ પ્રવૃત્તિઓ દ્વારા હજારો બ્રિટીશર્સને નોકરી આપે છે અને 100થી વધુ દેશો સાથે વેપાર દ્વારા બ્રિટનને જોડ્યું છે.’’

‘’પરંતુ કમનસીબી એ છે કે આજે પણ આપણે એવી દુનિયામાં જીવીએ છીએ જ્યાં સ્ત્રી – પુરૂષ વચ્ચે લૈંગીક સમાનતા નથી. વિશ્વના ઘણા ભાગોમાં સ્ત્રીઓને હજી ભણવા અથવા કામ પર જતી અટકાવવામાં આવે છે. હું કહું છું કે જે લોકો મહિલાઓને બરાબર ગણતા નથી તેઓ પોતે દુનિયામાં અસમાન બની જાય છે. આવી અસમાનતાને અટકાવતા કાયદાઓ છે, તેમ છતાં હજી પણ સ્ત્રી – પુરૂષો વચ્ચે વેતનનો ભેદભાવ યુકે અને સમગ્ર વિશ્વમાં યથાવત્ છે. શા માટે ઘણા દેશોની મહિલાઓ આરોગ્ય, નોકરી અને શિક્ષણની બાબતમાં પુરુષો કરતાં ખરાબ કેમ છે?’’

‘’સ્ત્રીઓ કદાચ પુરુષો કરતા સખત અને લાંબા કલાક કામ કરે છે. મારી માતાની ક્ષમતાના કારણે તેના 8 બાળકો, 19 પૌત્રો અને 27 પૌત્ર-પૌત્રોના જીવનને આકાર મળ્યો છે. છોકરીઓને શિક્ષિત કરવું એ ફક્ત તે છોકરી માટે સારું નથી; તે તેના પરિવાર, તેના બાળકો, તેના સમુદાય અને છેવટે તેના દેશ માટે ગરીબીનો અંત લાવે છે. ભણેલી છોકરીઓની શક્તિને ઓછું આંકવી ન જોઇએ તે શક્તિ તેમના બાળકોને આપે છે. ‘’

‘’આ હાઉસના સભ્ય તરીકે, હું પ્રતિજ્ઞા લઉ છું કે મારો સમય અને સંસાધનો વિશ્વભરની મહિલાઓ સાથે થતા દુર્વ્યવહારને રોકવા અને લિંગ અસમાનતાની નાબૂદીના સમર્થન માટે આપીશ. હું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જેવી મહત્વપૂર્ણ પહેલને શ્રદ્ધાંજલિ આપું છું જે વિશ્વભરની મહિલાઓની સિદ્ધિઓ તેમજ તેમની સામેના પડકારોને પ્રકાશિત કરવામાં મદદ કરે છે.’’

‘’અંતે, હું ત્રણ અદ્ભુત સ્ત્રીઓનો આભાર માનવા માંગું છું જેમણે મારા ભાગ્યને આકાર આપ્યો. પ્રથમ, મારી માતા કે જેણે ક્યારેય હાર માની ન હતી. તેણીએ પોતાનું જીવન બાળકો માટે સમર્પિત કર્યું અને અમને દરેકને સમાજ માટે સંપત્તિ સમાન બનાવ્યા. બીજી, મારી સુંદર, બુદ્ધિશાળી, શિક્ષિત અને મહેનતુ પત્ની છે, જેણે એમઓડી અને એચએમઆરસીમાં કામ કરી નાણાકીય મદદ કરી જેથી અમે, અમારી ત્રણ સુંદર દીકરીઓને શ્રેષ્ઠ શિક્ષણ આપી શક્યા. ‘’

‘’અમારી મોટી પુત્રી કાઉન્સિલર રીના રેન્જર, ઓબીઇ છે. જે મહિલા સશક્તિકરણ માટે સમર્પિત એક સંસ્થા પણ ચલાવે છે. અમારી બીજી પુત્રી એક કુશળ NHS ડૉક્ટર છે જેણે હિમેટોલોજીમાં સંશોધન પૂર્ણ કર્યું છે. અમારી સૌથી નાની પુત્રીએ એલએસઈની શિષ્યવૃત્તિ મેળવી હતી અને અમારી એક કંપનીમાં જોડાતા પહેલા ગુગલ અને પીડબ્લ્યુસી માટે કામ કર્યું હતું. આજે તે કંપનીની સફળતાનો એક અભિન્ન ભાગ બની ગઇ છે.’’

‘’ત્રીજા ભૂતપૂર્વ વડા પ્રધાન થેરેસા મે, એમપી છે જેમણે મને આ સ્થાન માટે પસંદ કર્યો. આ અદ્ભુત મહિલાઓના ટેકો વિના હું આજે અહીં એક ગૌરવપૂર્ણ માણસ તરીકે ઉભો રહ્યો હોત નહિ. મારા જીવનની વાર્તા તમને હંમેશાં મહિલાઓની તાકાતની યાદ અપાવે છે.’’

શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવના શબ્દોમાં કહુ તો ‘’સ્ત્રીમાંથી માણસ જન્મે છે; સ્ત્રીની અંદર માણસનુ નિર્માણ થાય છે અને સ્ત્રી સાથે જ તેની સગાઇ અને લગ્ન થાય છે. જ્યારે તેની સ્ત્રી મરણ પામે છે ત્યારે તે બીજી સ્ત્રીની શોધ કરે છે; પણ તે હંમેશા સ્ત્રી સાથે બંધાયેલો રહે છે. તો પછી શા માટે તેને હલકી ગુણવત્તાવાળી ગણો છો? તે રાજાઓ અને પયગંબરોનો જન્મ આપે છે. સ્ત્રી વિના, કોઈ જ ન હોત. હું લોર્ડ્સનો આજે મારા પ્રથમ ભાષણનો ભાગ બનવા બદલ આભાર માનું છું.’’