– પરમ પૂજ્ય સ્વામી ચિદાનંદ સરસ્વતીજી (મુનિજી)
“ધ્યાન (મેડિટેશન) એ જ તમામ ચિંતાઓમાં સૌથી શ્રેષ્ઠ ઉપચાર છે. આજે લોકો ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે, જે મુખ્યત્વે તેમના જીવનમાં રહેલા તણાવ સાથે સંબંધિત છે. લોકો આવી ચિંતા, અનિંદ્રા, અસંતોષની લાગણીને દૂર કરવા માટે તેઓ દવાઓ લઈ શકે છે અથવા તેમના જીવનને ખૂબ જ ભૌતિક સુખ-સુવિધાઓથી ભરી શકે છે. ઉદાહરણ તરીકે, જ્યારે લોકો તણાવ અનુભવે છે ત્યારે તેઓ ફિલ્મો જોવા જઈને, નશો કરીને અથવા સામાન્ય કામુક સુખ મેળવીને તેને ભૂલી જવાનો પ્રયત્ન કરી શકે છે. આમ છતાં, તે કાયમી ઉકેલ તો નથી જ. તેઓ તેમની મુખ્ય સમસ્યાઓનો ઉકેલ લાવતા નથી. તેઓ ફક્ત વાગેલા ઘા પર પાટો જ બાંધે છે.
ધ્યાન ધરવાથી મન ખરેખર શાંત રહેશે, હૃદયને ખુશ રાખશે અને આત્માને શાંતિ આપશે. ધ્યાન ધરવાથી મળતી શાંતિ અને ખુશી દિવસભર અને આજીવન રહે છે. ધ્યાન એ એવું કોઈ સરળ કાર્ય નથી જે ફક્ત ત્યાં સુધી જ કાર્યરત હોય છે જ્યાં સુધી તમે તેમાં સક્રિય રીતે જોડાયેલા રહો છો. ધ્યાન એ એવી દવા નથી જે ઝડપથી અસર કરે છે અને અનિચ્છિત આડઅસરો લાવે છે. તેના બદલે, ધ્યાન તમને ભગવાનના સંપર્કમાં લાવે છે, તે તમારા અસ્તિત્વના પ્રકારને બદલે છે. તે તમને એવા વિશ્વમાં પરત લઇ જશે જ્યાંથી તમે આવ્યા છો: અને એ છે દિવ્યતાનું વિશ્વ. જ્યારે તમે ધ્યાનમાં બેસો છો ત્યારે તમને એ બાબતની તુચ્છતાનો અનુભવ થશે, જે તમારી ચિંતાનું કારણ બને છે. તમને તમારી તમામ મુશ્કેલીઓની ક્ષણિક પ્રકૃતિનો અનુભવ થશે. તમને ઇશ્વર દ્વારા મળી રહેલી અનંત ખુશી અને અસીમિત શાંતિનો અહેસાસ થશે.
તમે ધ્યાનની વિવિધ ટેકનિક્સ શીખી શકશો (અથવા કદાચ તમે અગાઉ શીખી ગયા હશો). જો તમે યોગ્ય રીતે ધ્યાન નથી ધરી શકતા, અથવા જો તેમાં મુશ્કેલી પડતી હોય, અથવા જો તમને બધું યાદ ન હોય તો ચિંતા કરવાની જરૂર નથી. મુદ્દો ધ્યાન ધરવાનો છે. એક એવો સમય બનાવો જે ‘ધ્યાનનો સમય’ હોય. જો તે ઓછો હોય તો ચિંતા કરશો નહીં, ફક્ત ધ્યાન ધરો. એવું પણ ન કહો કે, ‘મારી પાસે બેસવા માટે એક કલાક પણ નથી તેથી હું પરેશાન નહીં થાવ.’ દરરોજ સવારે ધ્યાન માટે પાંચ મિનિટ ફાળવો જ, અને તમને તેનો ચમત્કાર જોવા મળશે જ.
હવે, આ ધ્યાનને તમારું જીવન બનાવી દો. હા, જોકે, ધ્યાન માટે એક નિશ્ચિત સમય અલગ રાખવો જોઈએ, અને ધ્યાન કરવા માટે મનનું શાંત હોવું અને શાંતિપૂર્ણ સ્થાન હોવું જરૂરી છે. જોકે, જ્યારે ‘ધ્યાન માટે સમય’ ન હોય અથવા તમે ઘરથી દૂર હોવ, તમારા ‘ધ્યાનના સ્થળ’થી દૂર હોવ, ત્યારે પણ એવું ન વિચારો કે તમે ધ્યાન પર બેસી શકતા નથી. કામ કરતી વખતે માત્ર પાંચ મિનિટ માટે તમારી આંખો બંધ કરવી, તમારા શ્વાસને અનુભવો, આ તમામ ક્રિયાને એકસાથે કરવા પર ધ્યાન કેન્દ્રિત કરો અને ભગવાન સાથે જોડાઇ જાવ. તમારા જીવનને ધ્યાનમગ્ન બનાવો.”
