ભારતના 77મા પ્રજાસત્તાક દિવસની પરેડમાં ગુજરાતની ઝાંખી (ટેબ્લો)એ સતત ચોથી વખત પોપ્યુલર ચોઇસ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.આ ઝાંખીની થીમ ‘સ્વદેશી-આત્મનિર્ભરતા-સ્વતંત્રતાનો મંત્ર: વંદે માતરમ’ હતી.આ અગાઉ વર્ષ 2023, 2024 અને 2025માં એમ સળંગ ત્રણ વર્ષ ગુજરાતના ટેબ્લોએ આ શ્રેણીમાં પ્રથમ પુરસ્કાર મેળવ્યો છે.
આ અંગેની જાહેરાત કરતા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના ટેબ્લોએ સતત ચોથા વર્ષે પોપ્યુલર ચોઇસ એવોર્ડ કેટેગરીમાં પ્રથમ ક્રમ મેળવીને ઇતિહાસ રચ્યો છે તે ખૂબ જ આનંદની વાત છે. રાજ્યના સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને ઉજાગર કરતી આ ઝાંખીની લોકોએ ખૂબ પ્રશંસા કરી હતી.
આ એવોર્ડ 30 જાન્યુઆરીએ નવી દિલ્હીમાં રાષ્ટ્રીય રંગશાળા કેમ્પમાં આપવામાં આવશે.૭૪મા પ્રજાસત્તાક દિવસની પરેડ (૨૦૨૩)માં ક્લીન ગ્રીન એનર્જી-પાવર્ડ ગુજરાત” શીર્ષકવાળી ઝાંખી હતી. ૨૦૨૪ના ટેબ્લોની થીમ ‘ધોરડો: વિશ્વનું શ્રેષ્ઠ પ્રવાસન ગામ’ હતી. તેને જ્યુરી ચોઇસ કેટેગરીમાં પણ બીજું સ્થાન મેળવ્યું હતું. ૨૦૨૫માં `આનર્તપુરથી એકતાનગર સુધી: વારસો અને વિકાસનો અદભૂત સંગમ” શીર્ષકવાળી ઝાંખીને ફરીથી પોપ્યુલર ચોઇસ એવોર્ડ મળ્યો હતો.












