વિશ્વની અગ્રણી ઇ-કોમર્સ કંપની એમેઝોને બુધવારે 16,000 કોર્પોરેટ નોકરીમાં કાપને પુષ્ટી આપી હતી. ઓક્ટોબર પછીથી કંપનીએ 30,000 કર્મચારીઓની છટણીની યોજના પૂરી કરી છે અને નોકરીમાં વધુ કાપની શક્યતા પણ છે. આ સંખ્યા તેના કુલ કોર્પોરેટ વર્કફોર્સની આશરે 10 ટકા થાય છે અને તે છેલ્લાં ત્રણ દાયકામાં સૌથી મોટો નોકરીકાપ છે. કંપનીએ 2022-23માં આશરે 27,000 નોકરીમાં કાપ મૂક્યો હતો.
એમેઝોને તેના સીઈઓ એન્ડી જેસીના નેતૃત્વ હેઠળ અમલદારશાહી ઘટાડવા અને નબળા પ્રદર્શન કરતા બિઝનેસને બંધ કરવાની વ્યાપક યોજના બનાવી છે. એમેઝોને મંગળવારે જણાવ્યું હતું કે તે વર્ષોના પ્રયાસો છતાં તેના બાકીના ફ્રેશ ગ્રોસરી સ્ટોર્સ અને ગો બજારો બંધ કરી રહી છે. તે તેની એમેઝોન વન બાયોમેટ્રિક ચુકવણી સિસ્ટમ પણ બંધ કરી રહી છે.
2026માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને કારણે વધુને વધુ નોકરીઓ પર જોખમ ઊભું થયું છે. એમેઝોને ઓક્ટોબર ૨૦૨૫માં એઆઈને કારણે ૧૪,૦૦૦ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. કંપની કોર્પોરેટ કર્મચારીઓની જગ્યાએ જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સને કામ સોંપવા માંગે છે.
એમેઝોનના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ બેથ ગેલેટીએ એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે, કંપની મેનેજમેન્ટ લેવલમાં ઘટાડો કરવા માંગે છે. કર્મચારીઓની સંખ્યા ઘટાડીને એઆઈને કામ સોંપનારી એમેઝોન એકલી કંપની નથી. અન્ય કંપનીઓ પણ આ પ્રકારની પેટર્નને અનુસરી રહી છે. જેમાં, એઆઈને કામ સોંપીને ૧૫ ટકા જેટલા સ્ટાફની સંખ્યા ઘટાડવામાં આવી રહી છે.













