ઇકોનો
(Photo by Andrew Harnik/Getty Images)

ભારત અને રશિયા પર તેમની વચ્ચેના ગાઢ સંબંધો માટે ફરી એકવાર આકરા પ્રહાર કરતાં   અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે બંને દેશોને તેમની ડેડ ઇકોનોમીનું એકસાથે પતન કરવા દો, મને કોઇ પરવા નથી. ભારત રશિયા સાથે શું કરે છે તેની મને કોઇ પરવા નથી.

રશિયા સાથે ક્રૂડ ઓઇલ અને મિલિટરી ઇક્વિપમેન્ટના વેપાર માટે ભારત પર 25 ટકા ટેરિફ વત્તા પેનલ્ટીની જાહેરાત કર્યાના થોડા કલાકો પછી અમેરિકન પ્રેસિડન્ટ એકસાથે નવી દિલ્હી અને મોસ્કોની નવેસરથી ટીકા કરી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે રશિયા સાથે ભારત શું કરે છે તેની મને કોઇ પરવા નથી. તેઓ તેમના ડેડ ઇકોનોમીનું એકસાથે પતન કરી શકે છે, મને તેની કોઇ પરવા નથી. અમે ભારત સાથે ખૂબ જ ઓછા બિઝનેસ કરીએ છીએ. તેમના ટેરિફ ખૂબ ઊંચા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. અમેરિકા રશિયા સાથે લગભગ કોઇ વેપાર કરતું નથી.

અગાઉ બુધવારે ટ્રમ્પે 1 ઓગસ્ટથી ભારતથી આવતા તમામ માલ પર 25 ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી હતી. આ ઉપરાંત રશિયન ક્રૂડ તેલ અને લશ્કરી સાધનો ખરીદવા પર અનિશ્ચિત પેનલ્ટી લાદવાની જાહેરાત કરી હતી.

વેપાર વાટાઘાટો માટે 25 ઓગસ્ટથી અમેરિકાનું પ્રતિનિધિમંડળ ભારત આવવાનું છે ત્યારે ભારત પર દબાણ લાવવા માટે ટ્રમ્પે આ જાહેરાત કરી હોવાનું માનવામાં આવે છે. બંને દેશો વચ્ચે કૃષિ પેદાશોના મુદ્દે વેપાર મંત્રણામાં મડાગાંઠ પડી છે. અમેરિકા ભારતના કૃષિ ક્ષેત્રને ખુલ્લુ મૂકવામાં આવે તેવી માગણી કરી રહ્યું છે, જોકે ભારત સરકાર દેશના ખેડૂતોના હિતમાં આવી છૂટછાટ આપવા તૈયાર નથી.

અમેરિકન પ્રમુખે જણાવ્યું હતું કે ભારત અમારો મિત્ર છે, પરંતુ વર્ષોથી અમે તેમની સાથે પ્રમાણમાં ઓછો વેપાર કર્યો છે, કારણ કે તેમના ટેરિફ ખૂબ ઊંચા છે, જે વિશ્વમાં સૌથી વધુ છે અને તેમની પાસે સૌથી વધુ આકરા અને નુકસાનકાર બિન-નાણાકીય વેપાર અવરોધો છે. આ ઉપરાંત રશિયા યુક્રેનમાં હત્યાકાંડ બંધ કરે તેવું દરેક વ્યક્તિ ઇચ્છી રહ્યાં તેવા સમયે ભારત રશિયામાંથી મોટાપાયે ક્રૂડ ઓઇલ અને મિલિટરી ઇક્વિપમેન્ટની ખરીદી કરે છે. આ બધું સારું નથી. તેથી ભારત 1 ઓગસ્ટથી  25 ટકા ટેરિફ વત્તા પેનલ્ટી ચૂકવશે.

 

 

LEAVE A REPLY