FILE PHOTO

મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં શનિવારે ધોધમાર વરસાદ પડતાં જનજીવન ખોરવાયું હતું. પંચમહાલના ગોધરામાં નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. શહેરના ઈદગાહ મોહલ્લા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી ત્યાં કેડ સમા પાણી ભરાઈ ગયા હતા. આ સ્થિતિમાં સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણીનો પ્રવાહ એટલો તીવ્ર હતો કે અનેક ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે ઘરવખરીને પણ ભારે નુકસાન થયું છે. આ પરિસ્થિતિને કારણે અનેક પરિવારો પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવા મજબૂર બન્યા છે. પાણીમાં ડૂબી ગયેલી કારની માત્ર છત જ દેખાઈ રહી છે, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે. પંચમહાલ જિલ્લાના હાલોલમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો. શનિવારે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં માત્ર 6 કલાકમાં જ 9 ઇંચ વરસાદ ખાબકતા હાલોલના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આણંદ જિલ્લાના ઉમરેઠમાં પણ 5 ઇંચ વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાયા છે, જેના કારણે લોકોને ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદના કારણે ડાકોર-નડિયાદ રોડ પર પણ પાણી ભરાયા છે, જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી છે. શનિવારે વહેલી સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 66 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 129 તાલુકામાં ધોધમાર વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ તાપી જિલ્લાના ડોલવણમાં 6.34 ઇંચ નોંધાયો છે.

 

 

LEAVE A REPLY