
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ગુરુવાર, 28 ઓગસ્ટે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની પેટર્ન પરથી ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’નો શુભારંભ કરાવ્યો હતો. આ રિજનલ સમીટનો હેતુ આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય સ્તરે સ્થાનિક પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપવાનો અને જિલ્લાઓમાં રોકાણ મેળવવા માટે દરેક ક્ષેત્રની શક્તિઓને બહાર લાવવાનો છે.
તેમણે કહ્યું હતું કે ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ એવા જિલ્લાઓમાં રોકાણ આકર્ષવામાં મદદ કરશે, જ્યાં પસંદગીના ઔદ્યોગિક ક્ષેત્રો માટે અનુકૂળ ઇકોસિસ્ટમ છે. મહેસાણામાં યોજાનારી પ્રથમ રિજનલ કોન્ફરન્સ માટે જાપાન ભાગીદાર દેશ બનવા સંમત થયું હતું.
આવી કોન્ફરન્સ ઓક્ટોબરથી ચાર અલગ અલગ પ્રદેશો અથવા ઝોનમાં યોજાશે અને તે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS)ની તર્જ પર ડિઝાઇન કરાઈ છે. સૌપ્રથમ 2003માં તત્કાલિન મુખ્યપ્રધાન અને હવે પીએમ નરેન્દ્ર મોદીએ VGGSનો પ્રારંભ કર્યો હતો.
વીજળી, પાણી અને યોગ્ય માર્ગ જોડાણના અભાવે ગુજરાતનો લાંબા સમય સુધી વિકાસ થયો ન હતો. વડાપ્રધાન મોદીએ ગુજરાતને દેશનું ગ્રોથ એન્જિન બનાવી દીધું હતું. 22 વર્ષ પહેલાં મોદી દ્વારા શરૂ કરાયેલા વૈશ્વિક રોકાણ સમિટને કારણે ગુજરાત અસંખ્ય ઔદ્યોગિક ગૃહો માટે રોકાણનું આકર્ષક રાજ્ય બન્યું છે. વૈશ્વિક સ્તરે સ્થાનિક પ્રોડક્ટ્સને પ્રોત્સાહન આપવાના પ્રધાનમંત્રીના વિઝનને સાકાર કરવા માટે રાજ્ય સરકાર વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદની આ અનોખી પહેલ લઈને આવી રહી છે.
આ પરિષદ ગુજરાતના ચાર અલગ અલગ પ્રદેશોમાં યોજાશે.રાજ્યના દરેક જિલ્લાની પોતાની ઓળખ છે અને તે અમુક ચોક્કસ પ્રોડક્ટ્સ માટે જાણીતો છે.ઉત્તર ગુજરાત ડેરી અને ફૂડ પ્રોસેસિંગ માટે જાણીતું છે, જ્યારે કચ્છ મીઠાના ઉત્પાદન, પર્યટન, હસ્તકલા અને નવીનીકરણીય ઉર્જા માટે એક સ્થાપિત પ્રદેશ છે. સૌરાષ્ટ્ર પ્રદેશની મુખ્ય શક્તિઓ એન્જિનિયરિંગ, મત્સ્યઉદ્યોગ છે, જ્યારે દક્ષિણ ગુજરાત હીરા અને કાપડ ઉત્પાદનોનું કેન્દ્ર છે.મધ્ય ગુજરાત સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ, એન્જિનિયરિંગ, નાણાકીય સેવાઓ અને ગ્રીન મોબિલિટી સેગમેન્ટ માટે વ્યૂહાત્મક સ્થાન તરીકે ઉભરી આવ્યું છે.
ઉદ્યોગ કમિશનર પી સ્વરૂપના જણાવ્યા અનુસાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટની 11મી આવૃત્તિ ૨૦૨૭માં યોજાશે. છેલ્લી સમિટ જાન્યુઆરી ૨૦૨૪માં યોજાઈ હતી.૨૦૨૭માં યોજાનારી આ મુખ્ય સમિટ પહેલા, અમે આગામી એક વર્ષ દરમિયાન વિવિધ પ્રદેશોમાં ચાર ક્ષેત્ર-પ્રાદેશિક પરિષદોનું આયોજન કરીશું. ઉત્તર ગુજરાત માટે પ્રથમ પરિષદ ૯-૧૦ ઓક્ટોબરના રોજ મહેસાણામાં ગણપત યુનિવર્સિટી કેમ્પસમાં યોજાશે,બાદમાં, કચ્છ-સૌરાષ્ટ્ર માટે એક પ્રાદેશિક પરિષદ જાન્યુઆરી 2026 માં રાજકોટમાં યોજાશે. આ પછી દક્ષિણ અને મધ્ય ગુજરાત માટે સમાન કાર્યક્રમો યોજાશે. આ બધી પરિષદો વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ પેટર્ન મુજબ યોજાશે. દરેક પ્રાદેશિક કાર્યક્રમમાં ઉદ્ઘાટન કાર્યક્રમ, B2B (બિઝનેસ-ટુ-બિઝનેસ) અને B2G (બિઝનેસ-ટુ-ગવર્નમેન્ટ) મીટિંગ્સ, એક પ્રદર્શન, એક ટ્રેડ શો, ક્ષેત્ર-વિશિષ્ટ સેમિનાર અને મુખ્ય પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન હશે.
