ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલના તણાવમાં વધારો થવાને કારણે રૂપિયો પ્રથમવાર 88ના સ્તરને પાર કરીને 88.19ના રેકોર્ડ નીચલા સ્તરે બંધ રહ્યો હતો, જેમાં 61 પૈસાનો તીવ્ર ઘટાડો થયો હતો. માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ, અમેરિકા દ્વારા ભારત પર ભારે ટેરિફ લાદવામાં આવ્યા પછી વિદેશી ભંડોળનો આઉટફ્લો, એફપીઆઇની શેરબજારમાં ઓગસ્ટમાં રૂ.40,000 કરોડથી વધુ વેચવાલી અને મહિનાના અંતે ડોલરની માંગ વચ્ચે રૂપિયો સતત દબાણ હેઠળ રહ્યો હતો.
ફોરેન એક્સચેન્જસ માર્કેટમાં રૂપિયો અમેરિકન કરન્સી સામે 87.73 પર ખુલ્યો બાદ ઝડપથી નીચે જઇને ઇન્ટ્રા-ડેમાં 88.33 સુધી ગબડ્યો હતો, જે છેલ્લે 88.19 રહેતાં આગલા દિવસની સામે 61 તૂટ્યો હતો. ગુરુવારે, રૂપિયો અમેરિકન ડોલર સામે 11 પૈસા વધીને 87.58 હતો. આવું પ્રથમવાર નોંધાયું છે કે, જ્યારે ડોલર સામે રૂપિયો 88ના સ્તરને પાર કરી ગયો છે. અગાઉ 10 ફેબ્રુઆરી, 2025ના રોજ, 87.95ની ઇન્ટ્રા-ડે નીચી સપાટી જોવા મળી હતી અને 5 ઓગસ્ટ, 2025ના રોજ, સ્થાનિક યુનિટ ગ્રીનબેક સામે 87.88ની સૌથી નીચલા સ્તરે બંધ હતો. ડોલર સામે રૂપિયાનો અંદાજ 87.90 થી 88.70ની રેન્જમાં મૂકવામાં આવે છે.
