વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ-19 પડકારને ઝીલવા રાષ્ટ્રજોગ સંબોધન કર્યું હતું. ‘નવરાત્રી’નાં પાવન પ્રસંગે પ્રધાનમંત્રીએ લોકોને નવ વિનંતી કે અપીલ કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ વૈશ્વિક રોગચાળા સામે લડવા તમામ ભારતીયોનો સંકલ્પ અને સંયમ આવશ્યક છે. કોરોનાવાયરસે અત્યારે આખી દુનિયામાં આતંક મચાવ્યો છે. તેમણે નાગરિકોને આ ઝડપથી ફેલાતા વાયરસનાં પ્રસારને નિયંત્રણને સુનિશ્ચિત કરવા ચોક્કસ પગલાંને અનુસરવા અપીલ કરી હતી. તેમણે નાગરિકોને આ રોગચાળાને હળવાશ ન લેવાના મહત્ત્વ પર તથા કોવિડ-19ના પ્રસારને અટકાવવા જાગૃત થવા અને સક્રિય પગલાં લેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

પ્રધાનમંત્રીએ નાગરિકોને એક મંત્ર “જ્યારે આપણે સ્વસ્થ રહીશું, ત્યારે દુનિયા સ્વસ્થ રહેશે” એને અનુસરવા અપીલ કરી હતી. તેમણે ‘સામાજિક અંતર’ જેવા નિયમોને સ્વયં અનુસરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. નાગરિકોને નીતિનિયમોનું પાલન કરવા સંયમ સાથે કરવા નાગરિકોને ઘરમાં રહેવા અને જરૂર પડે તો જ ઘરની બહાર નીકળવા અપીલ કરી હતી. તેમણે લોકોને ઘરેથી કામ કરવાનો પ્રયાસ કરવા અને બિનજરૂરી પ્રવાસ ન કરવા પણ અપીલ કરી હતી. તેમણે એવી વિનંતી પણ કરી હતી કે, 60 વર્ષથી વધારે વય ધરાવતા વરિષ્ઠ નાગરિકોએ થોડા અઠવાડિયા માટે તેમના ઘરની બહાર ન નીકળવું જોઈએ. હોસ્પિટલો પર ભારણ હોવાની બાબત પર ભાર મૂકીને તેમણે દરેકને આ સમયગાળા દરમિયાન નિયમિત ચેકઅપ્સ ટાળવા અને શક્ય હોય તો સર્જરીની તારીખો લંબાવવા અપીલ કરી હતી.

જનતા કર્ફયૂ

પ્રધાનમંત્રીએ 22 માર્ચ, 2020નાં રોજ સવારે 7 વાગ્યાથી રાતનાં 9 વાગ્યા સુધી ‘જનતા કર્ફયૂ’ને અનુસરવા પણ અપીલ કરી હતી, જેમાં કોઈ પણ વ્યક્તિ ઘરની બહાર ન નીકળે, રસ્તા પર ન જાય, શેરીઓમાં ન ફરે. આવશ્યક સેવાઓ સાથે સંબંધિત લોકો માટે ઘરની બહાર નીકળવું જરૂરી છે એના માટે આ છૂટ છે. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારનાં જનઆંદોલનની સફળતા અને અનુભવથી આપણને ભવિષ્યનાં પડકારો સામે લડવામાં તૈયારી કરવામાં મદદ મળશે. તેમણે ઉમેર્યું હતું કે, 22 માર્ચનાં રોજ આપણો પ્રયાસ આપણા સ્વનિયંત્રણ અને દેશના હિતમાં ફરજ અદા કરવાની દ્રઢતાનો સંકેત હશે.

રાજ્ય સરકારોને આગેવાની લેવાની અપીલ કરતાં પ્રધાનમંત્રીએ એનસીસી અને એનએસએસ સહિત તમામ યુવા સંગઠનો, નાગરિક સમાજને ‘જનતા કર્ફ્યૂ’ વિશે લોકો વચ્ચે જાગૃતિ લાવવા જણાવ્યું હતું. તેમણે દરેક વ્યક્તિને આ સ્વનિયંત્રિત કર્ફ્યૂ વિશે ફોન પર ઓછામાં ઓછા અન્ય 10 લોકોને જાણકારી આપવાનો પ્રયાસ કરવા અપીલ કરી હતી.

નિઃસ્વાર્થ રીતે સેવા પ્રદાન કરતા લોકોનો આભાર

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, મેડિકલ સ્ટાફ, પોલીસ, સરકારી કર્મચારીઓ, એરલાઇનના સ્ટાફ, મીડિયા પ્રતિનિધિઓ, બસ/ટ્રેન/ઓટો ઓપરેટર્સ જેવા કોવિડ-19 રોગચાળા સામે લડતા તેમજ હોમ ડિલિવરીમાં સંકળાયેલા લોકો બહાદુર છે.

આ પ્રકારનાં કસોટીનાં સમય દરમિયાન દેશને પોતાની સેવાઓ આપવાના સંબંધમાં પ્રધાનમંત્રીએ સૂચવ્યું હતું કે, 22 માર્ચનાં રોજ સાંજે 5 વાગે નાગરિકોએ બાલ્કનીઓમાં તેમજ તેમના ઘરના દરવાજા પર ઊભા રહીને તેમના પ્રયાસોને બિરદાવવા જોઈએ અને સલામી આપવી જોઈએ તથા તેમની પ્રશંસા દર્શાવવા પાંચ મિનિટ સુધી તાળી પાડવી જોઈએ અથવા બેલ વગાડવી જોઈએ.

તેમણે આખા દેશમાં સ્થાનિક સરકારને સાંજે 5 વાગ્યે સાયરન વગાડીને સમયનો સંકેત આપવા અપીલ કરી હતી.

આર્થિક પડકારોને ઝીલવા

આ રોગચાળાને કારણે આર્થિક પડકારો ઝીલવા પ્રધાનમંત્રીએ કેન્દ્રીય નાણાં મંત્રીના નેતૃત્વમાં ‘કોવિડ-19 ઇકોનોમિક રિસ્પોન્સ ટાસ્ક ફોર્સ’ની રચના કરવાની જાહેરાત કરી હતી. આ ટાસ્ક ફોર્સ હિતધારકો સાથે ચર્ચા વિચારણા કરશે, તેમની પાસેથી પ્રતિભાવ મેળવશે અને તેને આધારે આર્થિક પડકારો ઝીલવા ઉચિત નિર્ણયો લેશે. ટાસ્ક ફોર્સ આ પડકારોને ઝીલવા લેવામાં આવેલા નિર્ણયોનો અમલ થાય એવી સુનિશ્ચિતતા કરશે.

પ્રધાનમંત્રીએ વ્યવસાયિક સમુદાય અને ઊંચી આવક ધરાવતા જૂથોને ઓછી આવક ધરાવતા જૂથોની આર્થિક જરૂરિયાતોનું ધ્યાન રાખવા પણ અપીલ કરી હતી, જેની પાસેથી તેઓ વિવિધ સેવાઓ લે છે, તેમને કાર્યસ્થળે આવીને કામ ન કરી શકવા બદલ રોજિંદા ધોરણે પગાર ન કાપવા વિનંતી કરી હતી. તેમણે આ પ્રકારનાં સમયગાળા દરમિયાન માનવતાનાં મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.

તેમણે દેશવાસીઓને ખાતરી આપી હતી કે, તેમને ખાદ્ય પદાર્થો, દૂધ, દવાઓ વગેરે જેવી આવશ્યક ચીજવસ્તુઓની કોઈ ખેંચ નહીં પડે. તેમણે લોકોને ગભરાટમાં આવીને ખરીદી ન કરવા વિનંતી કરી હતી.

પ્રધાનમંત્રીએ કોવિડ-19ની કટોકટી ઝીલવા સંયુક્તપણે કામ કરવા અને સંપૂર્ણપણે પ્રદાન કરવા દરેકની પ્રશંસા કરી હતી. તેમણે નાગરિકોને ખોટી માહિતીને ન માનવા પણ અપીલ કરી હતી. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પ્રકારનાં વૈશ્વિક રોગચાળાનાં સમયગાળા દરમિયાન “માનવતાનો વિજય થાય અને ભારતનો વિજય થાય” એ સુનિશ્ચિત કરવું મહત્ત્વપૂર્ણ છે.