પ્રતિકાત્મક તસવીર (istockphoto)

દક્ષિણ આફ્રિકાની 37 વર્ષની મહિલાએ દાવો કર્યો છે કે તેને એકસાથે 10 બાળકોને જન્મ આપ્યો છે. જો ડૉક્ટરો આ વાતની પુષ્ટિ કરશે તો આ વિશ્વ રેકોર્ડ બનશે. હજી એક મહિના પહેલા જ માલીની એક મહિલાએ મોરોક્કોમાં 9 બાળકોને જન્મ આપ્યો હતો.

ન્યૂ યોર્ક પોસ્ટના જણાવ્યા અનુસાર દક્ષિણ આફ્રિકાની મહિલા ગોસિઅમી થમારા સિથોલેએ 10 બાળકોને જન્મ આપ્યો છે. જેમાંથી 7 પુત્ર અને 3 પુત્રી છે. મહિલાના પતિ ટેબોગો ત્સોતેત્સીએ જણાવ્યું કે, આ બાળકોનો જન્મ 7 જૂનના રોજ સિઝેરિયનથી પ્રિટોરિયાની એક હોસ્પિટલમાં થયો છે. ડૉક્ટરોએ કથિત રીતે ટેબોગોને શરૂઆતમાં જણાવ્યું હતું કે, તેમની પત્નીના ગર્ભમાં 6 ભ્રૂણ છે પરંતુ બાદમાં ખબર પડી કે 8 બાળકો છે. જોકે, જ્યારે ડિલિવરી થઈ ત્યારે બાળકોની સંખ્યા 10 હતી. આ આફ્રિકન કપલના 6 વર્ષના જોડકાં બાળકો પહેલાથી જ છે.

ટેબોગોએ જણાવ્યું કે, બાળકોના જન્મ બાદ તેઓ ખૂબ ભાવુક છે અને ખુશી અનુભવી રહ્યા છે. મારી પત્ની 7 મહિના 7 દિવસથી ગર્ભવતી હતી. મને બહુ આનંદ થઈ રહ્યો છે અને ભાવુક છું. હાલ હું વધારે વાત કરવાની સ્થિતિમાં નથી” અગાઉ આ પ્રકારની જ દુર્લભ ઘટના બની હતી. આફ્રિકાના દેશ માલીની મહિલાએ મોરોક્કોમાં 9 બાળકોને જન્મ આપ્યો હતો.