પ્રતિકાત્મક તસવીર (istockphoto)

પ્યુ રીસર્ચ સેન્ટરના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે દરેક 10માંથી એક એશિયન અમેરિકન ગરીબીમાં જીવે છે. બર્મીઝ અમેરિકનોમાં ગરીબીનું પ્રમાણ 19 ટકા જેટલું ઊંચું છે, તો ઇન્ડિયન અમેરિકનોમાં તેનું પ્રમાણ આશરે છ ટકા છે. વધુમાં અમેરિકામાં કોઈપણ મોટા વંશીય જૂથ કરતાં એશિયન અમેરિકનોમાં આવકની અસમાનતા સૌથી વધુ છે.

આશરે 7,006 પુખ્ત એશિયન અમેરિકનોને આવરી લઇ ગરીબીમાં જીવતા એશિયનોના વિવિધ અનુભવોનો તાગ મેળવવા માટે સરવે કરાયો હતો. તેમાં 12 ભાષામાં 144 લોકોના ઇન્ટરવ્યૂં પણ લેવાયા હતાં.

પ્યુ રીસર્ચ સેન્ટરના જણાવ્યા મુજબ અમેરિકામાં એશિયનોને આર્થિક અને શૈક્ષણિક રીતે સફળ માનવામાં આવે છે, પરંતુ આર્થિક મુશ્કેલીઓનો સામનો કરતા એશિયનો પર ધ્યાન આપવામાં આવતું નથી. એશિયન અમેરિકનોમાં વિવિધ જૂથોમાં ગરીબીના દરમાં પણ મોટો તફાવત છે. ઉદાહરણ તરીકે 19% બર્મીઝ અમેરિકનોની કૌટુંબિક આવક ફેડરલ ગરીબી રેખાના સ્તર જેટલી અથવા તેનાથી પણ ઓછી છે. તેનાથી વિપરીત માત્ર 6% ભારતીય અમેરિકનોની આવક ગરીબી રેખાથી ઓછી છે.

રીપોર્ટમાં એ પણ જાણવા મળ્યું છે કે ગરીબીમાં સબડતા 26% એશિયન અમેરિકનો ન્યૂ યોર્ક સિટી, લોસ એન્જલસ અને સાન ફ્રાન્સિસ્કો જેવા મહાનગરોમાં રહે છે. ફ્રેસ્નો, બફેલો, ન્યૂયોર્ક અને પિટ્સબર્ગમાં રહેતા એશિયન અમેરિકનોમાં ગરીબીનો દર સૌથી ઊંચો છે. અમેરિકામાં ગરીબીમાં જીવતા લોકોની કુલ સંખ્યામાંથી લગભગ 60% લોકો ઇમિગ્રન્ટ્સ છે. 5 વર્ષ અને તેનાથી વધુ વયના એશિયન ઇમિગ્રન્ટ્સમાં અડધા કરતાં ઓછા લોકો સારી રીતે અંગ્રેજી બોલી શકે છે.

એશિયન અમેરિકન્સ ફોર ઇક્વાલિટી (AAFE)ના કોમ્યુનિટી સર્વિસના મેનેજિંગ ડાયરેક્ટર એમિલી રીયોસે જણાવ્યું હતું કે ઇમિગ્રન્ટ્સ માટે ખાસ કરીને હાઉસિંગના સંદર્ભમાં ભાષાના અવરોધો વધારાના પડકારો બની રહે છે. બધું અંગ્રેજીમાં હોય અને તમે ભાષા સમજી શકતા ન હોવ, ત્યારે તમે કયા દસ્તાવેજ પર હસ્તાક્ષર કરો છો તે સમજી શકાતું નથી. અંગ્રેજીમાં કુશળતાના અભાવથી કમ્યુનિટી સંસાધનો અને સરકારી લાભો મેળવવાનું પણ મુશ્કેલ બને છે.

ઇમિગ્રન્ટ ભાડૂઆતો સામનો કરતાં હોય તેવા બે મુખ્ય મુદ્દા ઘર ખાલી કરાવવું અને ઊંચા ભાડાં છે. ગરીબીમાં જીવતા પ્રત્યેક 3માંથી 1 એશિયને  જણાવ્યું હતું કે તેઓને ગયા વર્ષે ભાડું અથવા લોનનો હપ્તા ચુકવવામાં મુશ્કેલી પડી હતી.

રીપોર્ટમાં જણાવ્યા અનુસાર ગરીબીમાં જીવતા મોટાભાગના એશિયનો મદદ માટે કુટુંબ કે મિત્રો તરફ હાથ લંબાવે છે અને આશરે 50 ટકા લોકો સરકારી મદદ માગે છે. આનાથી વિપરિત માત્ર 13% એશિયનો એશિયન કમ્યુનિટી ઓર્ગેનાઇઝેશન સુધી પહોંચી શક્યા હતાં. 19 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેમણે ક્યારેય કોઈ સંસાધનો કે સહાય મેળવી નથી.

LEAVE A REPLY

3 + nine =