અરુણાચલપ્રદેશના મુદ્દે અવળચંડાઈ ચાલુ રાખીને ચીને ભારતના આ રાજ્યના 30 સ્થળોના નામ બદલીને તેને પોતાનો હિસ્સો ગણાવ્યો હતો. ચીનની આ હિલચાલનો વિરોધ કરતાં ભારતના વિદેશ પ્રધાન એસ જયશંકરે જણાવ્યું હતું કે હું તમારાં ઘરનું નામ બદલી નાખું તો શું એ મારુ થઈ જશે? અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન હિસ્સો છે અને રહેશે. નામ બદલવાથી વાસ્તવિકતા બદલાઈ જતી નથી. વિદેશ મંત્રાલયે પણ અરુણાચલ પ્રદેશમાં સ્થળોના નામ બદલવાના ચીનના પ્રયાસોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા હતા અને ભારપૂર્વક જણાવ્યું હતું કે “શોધેલા નામો”થી એ વાસ્તવિકતા બદલાશે નહીં કે અરુણાચલ ભારતનું રાજ્ય હતું, છે અને રહેશે.

ચીનનાં સરકારી વર્તમાન સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર ચીને 11 રહેણાંક વિસ્તારો, 12 પર્વતો, 4 નદીઓ, એક તળાવ અને પર્વતોમાંથી નીકળતો રસ્તાના નામ બદલ્યાં છે. આ નામો ચાઈનીઝ, તિબેટીયન અને રોમન ભાષામાં બહાર પડાયા હતા.

છેલ્લા સાત વર્ષમાં આ ચોથી વખત એવું બન્યું છે, જ્યારે ચીને અરુણાચલ પ્રદેશમાં રહેણાંક સ્થળો, નદી, પર્વતોનાં નામ બદલ્યા છે. ચીને એપ્રિલ 2023માં પોતાના નકશામાં અરુણાચલ પ્રદેશના 11 સ્થળોના નામ બદલી નાખ્યા હતા.

અરુણાચલમાં ચીનની દખલગીરી અને અહીંના સ્થળોના નામ બદલવા સામે ભારત સતત વિરોધ વ્યક્ત કરતું રહ્યું છે. ભારતનું કહેવું છે કે અરુણાચલ ભારતનો અભિન્ન ભાગ છે. ચીને ક્યારેય અરુણાચલ પ્રદેશને ભારતીય રાજ્ય તરીકે માન્યતા આપી નથી. તે અરુણાચલને હંમેશાથી ‘દક્ષિણ તિબેટ’ના ભાગ તરીકે વર્ણવતો રહ્યો છે.

LEAVE A REPLY