વિશ્વભરમાં કોરોનાનું સૌથી વધુ બિહામણુ અને ઘાતક સ્વરૂપ અમેરિકામાં હોય તેમ હજારોની સંખ્યામાં દર્દીઓ વધવાની સાથોસાથ મૃત્યુ આંક પણ સેંકડોની સંખ્યામાં વધી રહ્યોછે. છેલ્લા ચોવીસ કલાકમાં અમેરિકામાં 1169 લોકોના મોત નિપજયા હતાં. એક જ દિવસમાં કોરોનાથી આટલો મોટો મૃત્યુ આંક વિશ્વભરમાં સૌથી વધુ છે. કોરોનાથી હચમચી રહેલા અમેરિકામાં દરરોજ હજારોની સંખ્યામાં નવા દર્દી ઉમેરાતા રહ્યા છે. એક જ દિવસમાં દેશના વિવિધ ભાગોમાં 25000 થી વધુ નવા કેસો સામે આવ્યા હતા.

વિશ્વની મહાસતામાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા 2.45 લાખની થઈ ગઈ છે. અને મરણ આંક 6000 ને વટાવીને 6075 થયો છે. ચોવીસ કલાકમાં 1169 દર્દીઓ મોતને ભેટયા છે. કોરોનાથી માનવ ખુવારીની સાથોસાથ આર્થિક દ્રષ્ટિએ પણ વૈશ્ચિક મહાસતાને ભયાનક અસર થવા લાગી છે. બેરોજગારીનો આંકડો રેકોર્ડ બ્રેક સ્તરે નોંધાયો છે. છેલ્લા બે સપ્તાહમાં એક કરોડથી વધુ લોકોએ બેકારી ભથ્થૂ માંગ્યુ છે.

ગત સપ્તાહમાં 33 લાખ લોકોએ બેકારી દાવો પેશ કર્યો હતો અને આ સપ્તાહમાં 66 લાખ લોકોએ બેરોજગારી દાવો કર્યો છે. આવતા સપ્તારોહમાં બેકારી દર વધુ ઉંચો જવાની આશંકા છે કારણ કે દેશના 80 ટકા ભાગોમાં એક યા બીજી રીતે નિયંત્રણાત્મક પગલાઓ છે ઉપરાંત મોટી-મોટી કંપનીઓ સેંકડો-હજારોની સંખ્યામાં કર્મચારીઓને છુટ્ટા કરી રહી છે. અમેરિકામાં નોકરીઓનો વરસાદ હવે ઈતિહાસ બની જવાની આશંકા વ્યકત થવા લાગી છે. કોરોના ત્રાટકતા અગાઉ અમેરિકામાં બેકારી દર 3.6 ટકાએ છેલ્લા 60 વર્ષના નીચલા સ્તરે હતો.