(ANI Photo/Shrikant Singh)

ભારતમાં નવા સંસદ ભવનના ઉદ્ઘાટનના મુદ્દે સરકાર અને વિપક્ષ આમને સામને આવી ગયા છે. કોંગ્રેસ, ડાબેરી, ટીએમસી, એસપી અને AAP સહિત આશરે 20 વિરોધ પક્ષો બુધવારે એકજૂથ થઈને નવા સંસદ ભવનના ઉદ્ઘાટન સમારંભનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી. બીજી તરફ સત્તાધારી એનડીએ ગઠબંધનના ઘટના પક્ષોએ વિપક્ષના આવા નિર્ણયની આકરી ટીકા કરી છે. આ સમારંભમાં 17 પક્ષોએ હાજર રહેવાની જાહેરાત કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મીએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરી કરશે, પરંતુ વિપક્ષની માગણી છે કે તેનું ઉદ્ઘાટન પ્રેસિડન્ટના હસ્તે થવું જોઇએ. વિપક્ષે જણાવ્યું હતું કે લોકશાહીનો આત્મ બહાર કાઢી લેવામાં આવ્યો હોય ત્યારે નવી ઇમારતનું કોઇ મૂલ્ય નથી. સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ વિપક્ષી દળોની જાહેરાતને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને પુનર્વિચાર કરવાનો અનુરોધ કર્યો હતો.

સંસદ ભવનનું ઉદ્ઘાટન એક મહત્વપૂર્ણ પ્રસંગ હોવાનો ઉલ્લેખ કરીને વિરોધ પક્ષોએ એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે અમે માનીએ છીએ કે સરકાર લોકશાહીની જોખમમાં મૂકી રહી છે અને જે નિરંકુશ રીતે સંસદનું નિર્માણ કરવામાં આવ્યું તે અંગે નારાજગી હોવા છતાં અમે અમારા મતભેદો ભૂલી જવા તૈયાર હતા, પરંતુ પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુની અવગણના કરીને વડાપ્રધાન મોદીએ પોતે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવાનો નિર્ણય કર્યો છે, જે લોકશાહીનું ગંભીર અપમાન જ નહીં, પરંતુ તેના પર સીધો હુમલો છે.

વિરોધ પક્ષોએ જણાવ્યું હતું કે સંસદમાંથી લોકશાહીનો આત્મા છીનવી લેવામાં આવ્યો છે, ત્યારે અમને નવી ઇમારતમાં કોઇ મૂલ્ય જણાતું નથી. અમે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનનો બહિષ્કાર કરવાના અમારા સામૂહિક નિર્ણયની જાહેરાત કરીએ છીએ. અમે આપખુદ વડાપ્રધાન અને તેમની સરકાર સામે લડતા રહીશું અને અમારો સંદેશ સીધો ભારતના લોકો સુધી પહોંચાડીશું.

સંયુક્ત નિવેદન પર કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, DMK, જનતા દળ (યુનાઇટેડ), આપ, CPI-M, CPI, સપા, NCP, શિવસેના (ઉદ્ધવ ઠારે), રાજદ, IUML, JMM સહિતના પક્ષોએ હસ્તાક્ષર કર્યા છે.

2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ટક્કર આપવા માટે સંયુક્ત મોરચો બનાવવાના પ્રયાસો વચ્ચે નવા સંસદ ભવનના મુદ્દે વિપક્ષો એકજૂથ થયા છે.

બીએસપીએ હજુ તેનું વલણ સ્પષ્ટ કર્યું નથી, પરંતુ શિરોમણી અકાલી દળ અને બીજેડીએ કહ્યું હતું કે તેઓ નવા સંસદના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપશે. ટીડીપી, એઆઈએડીએમકે અને વાયએસઆરસીપીએ પણ હજુ સુધી તેમનું વલણ સ્પષ્ટ કર્યું નથી. આ પક્ષો ઉદ્ઘાટન સમયે હાજર રહે તેવી શક્યતા છે. ભારત રાષ્ટ્ર સમિતિએ કહ્યું હતું કે તે ગુરુવારે તેનો નિર્ણય જાહેર કરશે.

શિરોમણી અકાલી દળ (SAD)ના પ્રમુખ સુખબીર સિંહ બાદલ 28 મેના રોજ દિલ્હીમાં નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટનમાં હાજરી આપશે. પાર્ટીના નેતા દલજીત સિંહ ચીમાએ જણાવ્યું હતું કે દેશને નવું સંસદ ભવન મળી રહ્યું છે તે ગર્વની બાબત છે અને અને આ સમયે કોઇ રાજકારણ કરવા માગતા નથી. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે જો લોકસભાના સ્પીકર ઓમ બિરલા નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન નહીં કરે તો તેમની પાર્ટી હાજરી આપશે નહીં.

 

LEAVE A REPLY