ન્યૂ યોર્કમાં ઘરમાં આગ લાગવાથી તેલંગાણાના જંગાવ જિલ્લાની 24 વર્ષીય વિદ્યાર્થિનીનું દુઃખદ મોત થયું હતું. મૃતક સહજા રેડ્ડી ઉદુમાલા 2021માં ઉચ્ચ અભ્યાસ માટે અમેરિકા ગઈ હતી. તે ન્યૂ યોર્કના અલ્બેનીમાં રહેતી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આગ પડોશી ઇમારતમાંથી લાગી હતી અને ઝડપથી સહજાના ઘરમાં ફેલાઈ ગઈ હતી. આગ લાગી ત્યારે તે સૂતી હતી અને બચી શકી ન હતી.
X પરની એક પોસ્ટમાં ન્યૂ યોર્ક સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલે જણાવ્યું હતું કે “અમે અલ્બેનીમાં ઘરમાં આગ લાગવાની ઘટનામાં જીવ ગુમાવનાર ભારતીય નાગરિક સહજા રેડ્ડી ઉદુમાલાના અકાળ અવસાનથી ખૂબ જ દુઃખી છીએ. આ મુશ્કેલ સમયમાં તેમના પરિવાર પ્રત્યે અમારી હૃદયપૂર્વકની સંવેદનાઓ. મૃતકના પરિવારના સંપર્કમાં છીએ અને શક્ય તેટલી બધી મદદ કરી રહ્યાં છે.
મૃતકના માતા-પિતા અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેના પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં, પરંતુ હવે તેઓ દુ:ખી છે અને તેમણે સરકાર પાસે તેમની પુત્રીના મૃતદેહને વિદેશથી સ્વદેશ પરત લાવવા માટે મદદ માંગી હતી. સહજાના પિતરાઈ ભાઈ રથના ગોપુએ પીડિતાના પરિવાર માટે GoFundMe બનાવ્યું હતું.











