51 arrested from anti-monarchy group Republic

કિંગ ચાર્લ્સના રાજ્યાભિષેક દરમિયાન સેન્ટ્રલ લંડનમાં રાજાશાહી વિરોધી જૂથ રિપબ્લિકના નેતા ગ્રેહામ સ્મિથ અને અન્ય 51 લોકોની ધરપકડ કરાઇ હતી અને કલાકોની અટકાયત પછી કસ્ટડીમાંથી મુક્ત કરાયા હતા. પોલીસની આ પ્રતિક્રિયા પ્રમાણસર હતી કે કેમ તે અંગે પ્રશ્નો ઉભા થયા છે. સેંકડો રિપબ્લિકનોએ “નોટ માય કિંગ” લખેલા બેનરો લહેરાવ્યા હતા.

રાજ્યાભિષેક વખતે સેન્ટ્રલ લંડનમાં પોલીસિંગ કામગીરીના ભાગ રૂપે શનિવાર, 6 મેના રોજ શાંતિના ભંગ અને જાહેર ઉપદ્રવનું કારણ બને તેવા કાવતરા સહિતના વિવિધ ગુનાઓ માટે કુલ 64 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જે પૈકી ધરપકડ કરાયેલા ચાર લોકો પર ગુનાનો આરોપ મૂકવામાં આવ્યો છે. રિપબ્લિકે જણાવ્યું હતું કે અટકાયત કરાયેલા સભ્યોને લગભગ 16 કલાકની કસ્ટડી પછી શનિવારે મોડી સાંજે મુક્ત કરવામાં આવ્યા હતા.

રિપબ્લિકના નેતા સ્મિથે ટ્વિટર પર કહ્યું હતું કે “મને ઘણી વખત કહેવામાં આવ્યું છે કે રાજા આપણી સ્વતંત્રતાના બચાવ માટે છે. હવે તેમના નામે આપણી સ્વતંત્રતાઓ પર હુમલો કરવામાં આવી રહ્યો છે.

પોલીસે શનિવારે જણાવ્યું હતું કે ‘’અમે ધરપકડ બાદ જાહેર ચિંતાને સમજીએ છીએ, પરંતુ વિરોધીઓ રાજ્યાભિષેક સરઘસને વિક્ષેપિત કરવા માટે મક્કમ હતા તેવી માહિતી મળ્યા બાદ અમે કાર્યવાહી કરી હતી.’’

તે પહેલા લંડનના પોલીસ વડા માર્ક રાઉલીએ શુક્રવારે ચેતવણી આપી હતી કે ‘’જો વિરોધીઓ લોકોના આનંદ અને ઉજવણીમાં અવરોધ કરવાનો પ્રયાસ કરશે તો પોલીસ પગલાં લેશે. વિક્ષેપ માટે ખૂબ ઓછી સહનશીલતા દાખવવામાં આવશે.”

વિપક્ષી લેબર પાર્ટીના વરિષ્ઠ લૉમેકર વેસ સ્ટ્રીટીંગે જણાવ્યું હતું કે ‘’પ્રતિભાવ પ્રમાણસર હતો કે કેમ તે અંગે પોલીસે જવાબદાર બનવું પડશે. કેટલાક વિરોધને આગળ વધવાની મંજૂરી આપવામાં આવી હતી.’’

LEAVE A REPLY

3 × one =