હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના છ બળવાખોર ધારાસભ્યો શનિવારે ભાજપમાં જોડાયા હતા. ભારત સરકારના માહિતી અને પ્રસારણ પ્રધાન અનુરાગ ઠાકુરે પાર્ટીની ઓફિસમાં આ છ ધારાસભ્યોને દિલ્હીમાં પાર્ટી કાર્યાલયમાં પાર્ટીનો ખેસ પહેરાવ્યો હતો. આ ધારાસભ્યોએ હિમાચલમાં રાજ્યસભાની ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હોવાથી સ્પીકરે તેમને સસ્પેન્ડ કર્યા હતા. આ ધારાસભ્યોમાં ધર્મશાલાના સુધીર શર્મા, સુજાનપુરના રાજિન્દર રાણા, લોહોલ સ્પિતીના રવિ ઠાકુર, બડસરના ઇન્દ્રદત્ત લખનપાલ, ગગરેટના ચૈતન્ય શર્મા અને કુટલહેડના દેવેન્દ્રકુમાર ભુટ્ટોનો સમાવેશ થાય છે. સુધીર શર્માએ કહ્યું હતું કે અમે હર્ષ મહાજનને એટલા માટે મત આપ્યો હતો, કેમ કે તેઓ અમારા જિલ્લાના છે.
હિમાચલ પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસના 40 ધારાસભ્યો હતા. 68 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે જરૂરી આંકડો 35 હતો. છ ધારાસભ્યોના બળવા પછી કોંગ્રેસના સભ્યોની સંખ્યા ઘટીને 34 થઇ ગઇ હતી, જે બહુમતી માટે જરૂરી આંકડા કરતાં એક ઓછી છે. પરંતુ બળવાખોર ધારાસભ્યોને સભ્યપદેથી અયોગ્ય ઠેરવ્યા પછી હવે ધારાસભોની સંખ્યા 62 થઈ ગઈ છે. આ સ્થિતિમાં બહુમતી માટે જરૂરી આંકડો હવે 32 થઈ ગયો છે, જે અત્યારે માત્ર કોંગ્રેસ પાસે જ છે.

LEAVE A REPLY

two × four =