ભારતીય રીફાઇનરી કંપનીઓની રશિયામાંથી ક્રૂડ ઓઈલની આયાત જાન્યુઆરીની સરખામણીમાં ફેબ્રુઆરીમાં વધારો નોંધાયો હતો. આ રીતે છેલ્લાં બે મહિનાથી આયાતમાં જે ઘટાડો થયો હતો તેની સ્થિતિ હવે બદલાઇ છે. સૂત્રોના જણાવ્યા મુજબ રીફાઈનરી કંપનીઓએ રશિયામાંથી લાઈટ સ્વીટ સોકોલ ગ્રેડ ઓઈલ ખરીદ્યું હતું.
ફેબ્રુઆરીમાં ભારતીય રીફાઈનરી કંપનીઓએ દૈનિક 15.1 લાખ બેરલ ઓઈલ ખરીદ્યું હતું, જે જાન્યુઆરીની સરખામણીમાં 2.8 ટકા વધારો દર્શાવે છે. જોકે ફેબ્રુઆરી-23ની સરખામણીમાં તેમાં 12.2 ટકાનો ઘટાડો થયો હતો. ફેબ્રુઆરીમાં ભારતે કુલ ક્રૂડ ઓઈલની જે આયાત કરી તે પૈકી 32 ટકા આયાત રશિયામાંથી થઈ છે, જેનું પ્રમાણ જાન્યુઆરીમાં 28 ટકા હતું. ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પેમેન્ટની સમસ્યા અને અમેરિકાએ નિયંત્રણો કડક બનાવતા રશિયામાંથી ભારતીય કંપનીઓની ઓઈલની આયાત ઘટી હતી. ભારતની ઓઈલની કુલ આયાત ફેબ્રુઆરીમાં 10 ટકા ઘટીને દૈનિક 47.2 લાખ બેરલ થઈ હતી.
સાઉથ અમેરિકાના દેશોમાંથી ભારતની ઓઇલ આયાત વધી છે. ફેબ્રુઆરીમાં વેનેઝુએલા ચોથા ક્રમનું સૌથી મોટુ સપ્લાયર હતું.
બીજી તરફ ભારતે ફેબ્રુઆરીમાં ઈરાકમાંથી આયાત 32 ટકા ઘટાડી છે. ઈરાકમાંથી આયાત રોજની 8.61 લાખ બેરલ થઈ હતી. સાઉદી અરેબિયામાંથી આયાત 13.8 ટકા વધીને 8.01 લાખ બેરલ થઈ હતી. આ સાથે ઓપેકનો ભારતની આયાતમાં હિસ્સો ફેબ્રુઆરીમાં વધીને 56 ટકા થયો હતો, જે જાન્યુઆરીમાં 54 ટકા હતો. વર્તમાન નાણાકીય વર્ષના પ્રથમ 11 મહિનામાં ઓપેક દેશોનો હિસ્સો ઘટીને 49.8 ટકા થયો હતો.
ઉલ્લેખનીય છે કે અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ યુક્રેન યુદ્ધને પગલે રશિયન ઓઈલ પર નિયંત્રણો લાદ્યા છે જેને કારણે ભારતે અગાઉની વધુ ખરીદી થોડી ધીમી કરી છે. 2023માં ભારત રશિયામાંથી સૌથી મોટુ આયાતકાર હતું. રશિયામાંથી ઓઈલની આયાત તાજેતરના મહિનાઓમાં ઘટવાનું બીજું એક કારણ નાણા ચૂકવણી સંબંધિત મુશ્કેલીઓ પણ છે.

LEAVE A REPLY

10 + 16 =