મુંબઇમાં ‘શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ’ બહેનોની, બહેનો દ્વારા અને બહેનો માટે કાર્યરત સંસ્થાની ૬૦મી વાર્ષિક સર્વસાધારણ સભા તા. ૯.૧૦.૨૦૨૫નાં રોજ મુંબઈના ષન્મુખાનંદ હોલમાં યોજાઈ હતી. આ પ્રસંગે ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ પંચના મુખ્ય કાર્યકારી અધિકારી રૂપ રાશી, સહ-આયુક્ત સુવર્ણા ખંડેલવાલ જોશી, પંચના મહારાષ્ટ્ર રાજ્ય નિદેશક યોગેશ ભામરે તથા સંસ્થાનાં શુભચિંતકો ઉપસ્થિત રહ્યા હતા.
રૂપ રાશીએ પ્રાસંગિક સંબોધનમાં કહ્યું હતું કે, “લિજ્જત પાપડ’નાં નામ સાથે મારો નાતો બાળપણથી રહ્યો છે. લગભગ ૬૫ વર્ષોથી આપણે સૌ આ સ્વાદ સાથે પરિચિત છીએ. આપણે આધુનિક ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે હરણફાળ ભરી છે, પરંતુ લિજ્જતે અનેક બહેનોને સંગઠિત કરીને ફૂડ ઇંડસ્ટ્રીઝમાં સતત ઉત્તમ ગુણવત્તા જાળવી રાખી છે, જેના માટે હું તમામ લિજ્જત પરિવારનાં બહેનોને નમન કરુ છું. આજે કે.વી.આય.સી.નું ટર્નઓવર રૂા. ૧ લાખ ૭૦ હજાર કરોડ છે, જેમાં લિજ્જત અગ્રસ્થાને છે. પંચનો સહકાર અને માર્ગદર્શન લિજ્જત સંસ્થાને આગળ પણ હંમેશા મળતા રહેશે.
વિશેષ અતિથિ સુવર્ણા ખંડેલવાલ જોશીએ જણાવ્યું કે, ૬૬ વર્ષોથી કાર્યરત, ધાર્મિકતા અને બહેનોને આગળ લાવતી સંસ્કૃતિને પોષણ આપતી આ શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ સંસ્થાના મંચ પર સંસ્થાની હજારો સભ્ય-બહેનો સાથે સંવાદ કરવાનો અવસર મળતાં હું હૃદયપૂર્વક આભારી થઈ છું. ૧૫-૨૦ વર્ષ પહેલાનાં ઇતિહાસમાં જોવામાં આવે તો બહેનોને આગળ આવવા માટે શિક્ષણના અભાવને કારણે ખૂબ સંઘર્ષ કરવો પડતો હતો, પરંતુ લિજ્જત સંસ્થા બહેનોને આત્મનિર્ભર બનાવવા સાથે તેમને શિક્ષણ આપવાની વ્યવસ્થા પણ કરે છે, આ જાણીને મને અત્યંત આનંદ થયો.
લિજ્જતનાં પ્રમુખ સ્વાતીબેન પરાડકરે આ વર્ષે થયેલી પ્રગતિનો ઉલ્લેખ કરીને ગુણવત્તાને કાયમ આધાર બનાવી સર્વોદયનાં સિદ્ધાંતોને વળગીને આગળ વધવા આવાહન કર્યું હતું. લિજ્જત સંસ્થાના ઉપપ્રમુખ પ્રતિભાબેન સાવંત, ઑડિટર પરેશભાઈ ડૉક્ટર તથા સંસ્થાનાં હિતચિંતકોએ તેમજ દેશભરની શાખા-વિભાગોમાંથી આવેલ સભ્ય બહેનોનાં પ્રતિનિધીઓએ આ અવસરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY