પ્રતિક તસવીર : કમળાબેન પટેલ

75 અને તેથી વધુ વયના પુખ્ત વયના લોકો, કેર હોમમાં રહેતા વૃદ્ધો અને રોગપ્રતિકારક શક્તિને દબાવી રાખતા (ઇમ્યુનોસપ્રેસ્ડ) 12 વર્ષ અને તેથી વધુ દરેક વ્યક્તિને આ વર્ષે વધુ બે કોવિડ રસી અપાશે.

જોઇન્ટ કમીટી ઓન વેક્સીનેશન એન્ડ ઇમ્યુનાઇઝેશન્સ (JCVI)ના સલાહકારોએ કહ્યું હતું કે ‘’જેઓ વાઇરસથી સૌથી વધુ સંવેદનશીલ છે તેમને આ વસંતમાં બીજો બૂસ્ટર ડોઝ મળવો જોઈએ. શિયાળામાં કોવિડ-19નું જોખમ સૌથી વધુ હોય છે તેથી પાનખરમાં બૂસ્ટર પ્રોગ્રામની સલાહ આપવાની અપેક્ષા છે.

75થી વધુ વયના લગભગ 7.7 મિલિયન લોકો પૈકી 7.2 મિલિયન લોકોએ રસીકરણનો પ્રાથમિક કોર્સ પૂર્ણ કર્યો છે અને બૂસ્ટર માટે લાયક છે. અડધો મિલિયન લોકો ઇમ્યુનોસપ્રેસ્ડ કેટેગરીમાં હોવાનું મનાય છે, જેમાં કેન્સર અથવા રુમેટોઇડ આર્થરાઇટીસ માટે ચોક્કસ સારવાર લઈ રહેલા દર્દીઓનો સમાવેશ થાય છે. સૌથી ગંભીર રોગપ્રતિકારક શક્તિ ધરાવતા કેટલાકને પહેલાથી જ ચાર ડોઝ આપવામાં આવ્યા હશે અને સ્પ્રિંગ બૂસ્ટર પાંચમી રસી બનશે.

આ રસી ઓમિક્રોનના નવા તરંગો અથવા નવા સ્ટ્રેઇન માટે સાવચેતીનું પગલું પૂરવાર થશે.

હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે જણાવ્યું હતું કે ‘’ JCVI ની સલાહને સ્વીકારીને NHSને છેલ્લા ડોઝ પછી લગભગ છ મહિનાથી આગામી બૂસ્ટર આપવા તૈયારી કરવા કહ્યું હતું. રસીકરણ કાર્યક્રમથી યુકેમાં અસંખ્ય જીવન બચ્યા છે, NHS પર દબાણ ઓછું થયું છે અને વાઇરસ સાથે જીવતા શીખવ્યું છે. હું દરેકને વિનંતી કરું છું કે તમે બને તેટલી વહેલી તકે તમારી જેબ્સ મેળવો.”