જે લોકો તેમની ગ્રોસરીની ખરીદી સુપરમાર્કેટની વેબસાઇટ પરથી ઑનલાઇન કરે છે તેઓ તેમની ખરીદી બદલ વધુ રકમની ચૂકવણી કરી શકે છે. કારણ કે સુપરમાર્કેટ્સ તેમની વેબસાઇટ પર ફક્ત “માર્ગદર્શક ભાવો” જ દર્શાવે છે. પણ જ્યારે તેઓ ખરીદી કરે છે ત્યારે જે તે ભાવ બદલાઇ જાય તેમ બની શકે છે.

ટેસ્કોની વેબસાઈટ પર જ્યારે ગ્રાહકો જે તે વસ્તુની પસંદગી કરે છે ત્યારે જે ભાવ હોય છે તેના કરતા તેને જ્યારે ડિલિવરી માટે પસંદ કરવામાં આવે છે ત્યારે, તે વખતે જે ભાવ હોય છે તે મુજબ વસ્તુઓની કિંમત વસૂલવામાં આવશે. સેઇન્સબરી પણ સમાન નીતિ અપનાવે છે, જેમાં ગ્રાહકો તેમના “બાસ્કેટ”માં જે કિંમતો જુએ છે તે “ફક્ત અંદાજ” હોય છે.

વેઇટરોઝની ટર્મ્સ એન્ડ કન્ડીશન પણ જણાવે છે કે ટાંકવામાં આવેલી કિંમતો “હંમેશા અંદાજિત” હોય છે અને ગ્રાહકો પાસેથી “ડિલિવરી અથવા સંગ્રહના દિવસે સ્ટોરમાં જ કિંમત હોય તે” વસૂલવામાં આવશે.

આ પૉલિસીનો અર્થ એ છે કે જો ઑર્ડર અને ડિલિવરીના દિવસની વચ્ચે પ્રોડક્ટના ભાવમાં વધારો કરવામાં આવે છે ત્યારે તે ગ્રાહકો તેમની અપેક્ષા કરતાં વધુ રકમની ચૂકવણી કરશે. આજ રીતે જે તે ચીજવસ્તુના ભાવ ડીલીવરીના સમયે પ્રમોશનના કારણે ઘટાડવામાં આવે છે તો તેની કિંમત પણ ઘટી શકે છે. ઓકાડો, મોરિસન અને આસ્ડા માત્ર વજન પ્રમાણે વેચાતી વસ્તુના ભાવમાં જ વધારો ઘટાડો કરે છે.

જો કે તમામ સુપરમાર્કેટ કહે છે કે ગ્રાહકોને તેમનો ઓર્ડર મળે તે પહેલા અંતિમ કિંમત દર્શાવતી રસીદ આપવામાં આવે છે. જો તેમને  ભાવ વધુ લાગે તો તે વસ્તુઓ ડિલિવરી ડ્રાઇવરને પરત કરી રિફંડ મેળવી શકાય છે.