સાજીદ જાવિદ

લોકડાઉનના પ્રતિબંધોને હળવા કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા આપવાનો સરકારનો નિર્ણય, રોગચાળા પછીના બેકલોગને દૂર કરવાના પ્રયત્નોને અવરોધશે એમ

હોસ્પિટલોએ હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદને કહ્યું હતું. રોગચાળા દરમીયાન કેન્સર, હ્રદયરોગ, માનસિક સ્વાસ્થ્ય સહિતની અન્ય બીમારીઓ ધરાવતા સાત મિલિયન લોકોએ તેમને નિયમિત મળતી સારવાર ગુમાવી છે. સામે પક્ષે શ્રી જાવિદે આ ચિંતાઓને નકારી કાઢી દલીલ કરી હતી કે લોકડાઉનથી લોકોમાં હતાશા આવી છે અને લોકો સારવાર માટે આગળ આવતાં અટકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રોગચાળા દરમિયાન જી.પી. દર્દીઓને જોવા માટે અસમર્થ હોવાથી એ એન્ડ ઇ યુનિટ્સ એવા દર્દીઓથી ભરેલા હતા. 19 જુલાઈથી પ્રતિબંધો હટાવવાથી આવા દર્દીઓની સારવાર જીપી દ્વારા કરવામાં આવશે એવી જાવિદે દલીલ કરી હતી.

જાવિદે ટાઇમ્સ રેડિયોને કહ્યું હતું કે “કોવિડ-19 કર્બ્સને કારણે બીજી ઘણી સમસ્યાઓ ઉભી થઈ છે. તેનું સૌથી ખરાબ પરિણામ એ આવ્યું છે કે હતાશામાં નોંધપાત્ર વધારો થયો છે અને ઘણી અન્ય જાહેર આરોગ્ય સમસ્યાઓ ઉભી થઇ છે.”

હોસ્પિટલોના ગ્રુપ એનએચએસ પ્રોવાઇડર્સના ચીફ એક્ઝિક્યુટિવ ક્રિસ હૉપ્સને કહ્યું હતું કે “ચેપમાં સતત વધારો થવાથી પહેલેથી જ સંપૂર્ણ ખેંચાણ અનુભવતી સેવાઓ પરના દબાણમાં વધારો થશે, જે બેકલોગ સહન કરવાની તેમની ક્ષમતાને મર્યાદિત કરશે.”

એનએચએસ કન્ફેડરેશનના મેથ્યુ ટેલરે જણાવ્યું હતું કે સ્ટાફ “શક્ય તેટલા લોકોની સારવાર કરવામાં સક્ષમ બનવા માંગે છે, પરંતુ જો તેઓ સતત વધતા કોવિડ કેસોની સાથે સારવારના વિશાળ બેકલેગ્સનો સામનો કરવા માટે સક્ષમ બનવા માંગતા હોય તો, તેમણે સાવચેતી રાખવી પડશે.”