પશ્ચિમ બંગાળમાં તાજપુર ડીપ સી પોર્ટ વિક્સાવવા માટે ગયા વર્ષે ગૌતમ અદાણીની માલિકીની અદાણી પોર્ટ્સને આપવામાં આવેલો પ્રારંભિક કોન્ટ્રાક્ટ રદ કરવાના રાજ્યના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ બુધવારે જાહેરાત કરી હતી. બેંગાલ ગ્લોબલ બિઝનેસ સમિટમાં અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી હાજર રહ્યાં હતા. હાલમાં ગૌતમ અદાણીને વિપક્ષો ટાર્ગેટ બનાવી રહ્યાં છે ત્યારે આ હિલચાલ થઈ છે.
તેમણે જણાવ્યું હતું કે, તેમની સરકાર ટૂંક સમયમાં રૂ .25,000 કરોડનાં તાજપુર ડીપ સી પ્રોજેક્ટ માટે નવેસરથી બિડ મંગાવવા માટેની ટેન્ડર પ્રક્રિયા ફરી ખોલશે.
બેંગાલ ગ્લોબલ બિઝનેસ સમિટમાં બોલતા મમતાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર નવેસરથી ટેન્ડર પ્રાઇસ પર કામ કરી રહી છે. તાજપુર ખાતે સૂચિત ડીપ સી પોર્ટ છે. તમે ટેન્ડરમાં ભાગ લઈ શકો છો. આનાથી રાજ્યમાં રૂ.25,000 કરોડ એટલે કે ત્રણ અબજ ડોલરનું રોકાણ આવશે. માર્ચ 2022માં સરકારે બહાર પાડેલા ટેન્ડરમાં અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઇકોનોમિક ઝોન સજ્જન જિન્દાલની જેએસડબલ્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને હરાવીને સૌથી ઊંચા બિડર તરીકે ઉપસી આવી હતી.
12 ઓક્ટોબર, 2022નાં રોજ અદાણી ગ્રૂપના સ્થાપક ગૌતમ અદાણીના પુત્ર અને એપી સેઝના સીઇઓ કરણ અદાણી બંગાળ સરકાર પાસેથી ઇરાદાપત્ર સ્વીકારવા કોલકતા આવ્યા હતા. પ્રોજેક્ટમાં નવું પોર્ટ અને નજીકમાં ઇન્ડસ્ટ્રિયલ ઝોન સ્થાપવાનો પણ સમાવેશ થાય છે.