ભારતના ટોપ સીડેડ શટલર્સ સાત્વિકસાઇરાજ રાન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડી સિઝનની છેલ્લી સુપર 750 સિરીઝની ચાઈના માસ્ટર્સ બેડમિંટનમાં રનર્સ અપ બની હતી. રવિવારે ફાઇનલમાં સાત્વિક અને ચિરાગ બીજા ક્રમના ચીની હરીફો લિએંગ વેઇકેન્ગ અને વાંગ ચાંગ સામે 19-21, 21-18 અને 19-21 હારી ગયા હતા.
ચીનના શેનઝેનમાં રમાયેલી મેન્સ ડબલ્સની આ ફાઇનલ ભારે સંઘર્ષમય રહી હતી. ભારતીય જોડીનો પ્રથમ ગેમમાં ભારે સંઘર્ષ બાદ પરાજય થયો હતો. જોકે, બીજી ગેમ જીતી લઇને તેમણે મેચ બરાબરી પર લાવી દીધી હતી. ત્રીજી અને નિર્ણાયક ગેમ ચીની જોડીએ જીતી લઇને ટાઇટલ પોતાના નામે કર્યું હતું. સાત્વિક-ચિરાગની જોડીએ એક કલાક અને 11 મિનિટ સંઘર્ષ કર્યો હતો. ચિરાગ અને સાત્વિક આ વર્ષે બીડબલ્યુએફ વર્લ્ડ ટુરની ચોથી ફાઇનલ રમતાં પહેલીવાર હાર્યા હતા. તેઓ કારકીર્દિમાં આ ત્રીજી વખત સુપર 750 સીરિઝ ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ્યા હતા અને બીજી વખત હાર્યા હતા.

            











