Rijul Maini (Photo credit: Instagram)

ન્યૂ જર્સીમાં યોજાયેલી વાર્ષિક સૌંદર્ય સ્પર્ધામાં મિશિગનની મેડિકલ સ્ટુડન્ટ રિજુલ મૈનીએ ‘મિસ ઈન્ડિયા યુએસએ 2023’નો તાજ જીત્યો હતો, જ્યારે મેસેચ્યુસેટ્સની સ્નેહા નામ્બિયારને મિસિસ ઇન્ડિયા યુએસએ જાહેર કરાઈ હતી. પેન્સિલવેનિયાની સલોની રામમોહને મિસ ટીન ઇન્ડિયા યુએસએનો ખિતાબ જીત્યો હતો.

સૌથી લાંબા સમયથી ભારતની બહાર ચાલી રહેલી આ ભારતીય સ્પર્ધા આ વર્ષે તેની 41મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. તેની શરૂઆત ન્યૂયોર્ક સ્થિત ઇન્ડિયન-અમેરિકન ધર્માત્મા સરન અને નીલમ સરને ‘વર્લ્ડવાઈડ પેજન્ટ્સ’ના બેનર હેઠળ કરી હતી.

ચોવીસ વર્ષીય ઇન્ડિયન-અમેરિકન રિજુલ મૈની એક મેડિકલ સ્ટુડન્ટ અને મોડલ છે. તે સર્જન બનવા માંગે છે અને દરેક જગ્યાએ મહિલાઓ માટે રોલ મોડલ તરીકે કામ કરવા માગે છે. આ સ્પર્ધામાં વર્જીનિયાની ગ્રીષ્મા ભટને ફર્સ્ટ રનર અપ અને નોર્થ કેરોલિનાની ઈશિતા પાઈ રાયકરને સેકન્ડ રનર અપ જાહેર કરાઈ હતી.

સ્પર્ધાના આયોજકોના જણાવ્યા અનુસાર 25થી વધુ રાજ્યોમાંથી 57 સ્પર્ધકોએ ત્રણ અલગ અલગ કેટેગરીમાં ભાગ લીધો હતો. તેમાં ‘મિસ ઈન્ડિયા યુએસએ, મિસિસ ઈન્ડિયા યુએસએ અને મિસ ટીન ઈન્ડિયા યુએસએ’નો સમાવેશ થાય છે. ત્રણેય કેટેગરીની વિજેતાને આ ગ્રૂપની જ ‘મિસ-મિસિસ, ટીન ઈન્ડિયા વર્લ્ડવાઈડ’માં ભાગ લેવા વિમાન ટિકિટ આપવામાં આવશે. વર્લ્ડવાઈડ પિજન્ટ્સના સ્થાપક અને પ્રમુખ ધર્માત્મા સરને જણાવ્યું હતું કે ‘વર્ષોથી તેમના સમર્થન માટે હું વિશ્વભરના ભારતીય સમુદાયનો અત્યંત આભારી છું.’

 

LEAVE A REPLY

4 × 2 =