સંસદમાં સુરક્ષાની ચૂક પાછળ મોંઘવારી અને બેરોજગારીને જવાબદાર ગણાવતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે સંસદમાં સુરક્ષા ભંગ થયો છે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિઓને કારણે યુવાનોને નોકરીઓ મળતી નથી. દેશમાં સૌથી મોટો મુદ્દો બેરોજગારીનો છે, જે સમગ્ર દેશમાં ઉકળી રહ્યો છે.
નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાતચીત કરતાં કોંગ્રેસ નેતાએ જણાવ્યું હતું કે સંસદ પર હુમલો થયો છે, પરંતુ તેની પાછળનું કારણ બેરોજગારી અને મોંઘવારી છે.
વિરોધ પક્ષો સુરક્ષા ભંગ પર સરકાર પાસેથી જવાબ માંગી રહ્યા છે અને સંસદમાં આ મુદ્દે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના નિવેદનની માંગ કરી રહ્યાં છે. આ મુદ્દે હોબાળાને કારણે સંસદની કાર્યવાહી પણ ખોરવાઈ ગઈ છે.
13 ડિસેમ્બરે સંસદની ચાલુ કાર્યવાહીદરમિયાન સાગર શર્મા અને મનોરંજન ડી નામના બે વ્યક્તિઓ વિઝિટર ગેલરીથીમાંથી લોકસભા ચેમ્બરમાં કુદ્યા હતા. આની સાથે અમોલ શિંદે અને નીલમ દેવી નામના બે વ્યક્તિએ સંસદની બહાર કેનિસ્ટર્સમાંથી ધુમાડો છોડીને વિરોધ પ્રદર્શન કર્યા હતા. તેઓએ “તનાશાહી નહીં ચલેગી” સૂત્રો પોકાર્યા હતા. પાંચમા આરોપી લલિત ઝાએ કથિત રીતે કોમ્પ્લેક્સની બહાર વિરોધનો વીડિયો સોશિયલ મીડિયા પર સર્ક્યુલેટ કર્યો હતો. પાંચેયની ધરપકડ કરવામાં આવી છે.