મોરબી ઝુલતો પુલના કેસમાં ગુજરાત હાઈકોર્ટે મંગળવારે ઓરેવા ગ્રૂપના સીએમડી જયસુખ પટેલની નિયમિત જામીન અરજીને ફગાવી દીધી હતી. ઓક્ટોબર 2022માં મોરબી બ્રિજ તૂટી પડવાની ઘટનામાં 135 લોકોના જીવ ગયા હતાં.
ન્યાયાધીશ દિવ્યેશ જોશીએ પટેલને જામીન નકારતી વખતે જણાવ્યું હતું કે અરજી ફગાવી દેવામાં આવે છે. જયસુખ પટેલ આ વર્ષે જાન્યુઆરીથી જેલના સળિયા પાછળ છે અને કેસમાં મુખ્ય આરોપી તરીકે નામ આપવામાં આવ્યું છે.તેમની નિયમિત જામીન અરજીઓ અગાઉ નીચલી અદાલતોએ ફગાવી દીધી હતી.
જયસુખ પટેલની કંપની ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરના બ્રિટિશ સમયના ઝૂલતા પુલના સંચાલન અને જાળવણી માટે જવાબદાર હતી, જે ગયા વર્ષે 30 ઓક્ટોબરે તૂટી પડ્યો હતો, જેમાં બાળકો સહિત 135 લોકોના મોત થયા હતા અને 56 અન્ય લોકો ઘાયલ થયા હતા.
જયસુખ પટેલની જામીન અરજી નામંજૂર થતાં આ કેસના 10માંથી ચાર આરોપીઓ જેલના સળિયા પાછળ છે, જેમાં ઓરેવા ગ્રૂપના મેનેજર અને દેવપ્રકાશ સોલ્યુશનના બે માલિકોનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારે જયસુખ પટેલની જામીન અરજીનો વિરોધ કર્યો ન હતો અને તેના પર નિર્ણય લેવાનું કોર્ટ પર છોડી દીધું હતું.